સરકારી શાળામાંથી ચોર ગેસ સિલિન્ડર ઊઠાવી ગયા
અમદાવાદ: અનલૉકમાં શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ઘરફોડ ચોરીના અનેક બનાવો તો સામે આવી રહ્યાં છે. પરંતુ હવે તસ્કરોના નિશાને ધર્મસ્થાન બાદ સરકારી શાળાઓ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ નવરંગપુરા, નિકોલ અને ન્યુ રાણીપમાં ધર્મસ્થાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જોકે, હવે શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી સરકારી શાળામાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો ગેસ સિલિન્ડર, તેલ અને ઘઉં જેવી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલી સરકારી વસાહત પ્રાથમિક શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ આપી છે કે, આજે સવારે તેઓ સાત વાગ્યાની આસપાસ શાળાએ આવતા મુખ્ય દરવાજાનું લોક, ઓફિસ, તિજોરીનું લોક અને ધોરણ ૭નાં ક્લાસ રૂમનું લોક, મધ્યાહન ભોજન રૂમનું લોક તૂટેલી હાલતમાં હતું. જેમાં જોતા ઓફિસ અને તિજોરીમાં રહેલી સરકારી ફાઈલ અને કાગળો વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા.
જ્યારે મધ્યાહન ભોજનના રૂમમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ૨ ગેસ સિલિન્ડર, ૧ તેલનો ડબ્બો અને લગભગ ૧૫ કિલો ઘઉં તથા ૧૫ કિલો ચોખા ભરેલા ડબ્બાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં વસ્ત્રાપુર પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, ચોંકાવનારી બાબત તો એ છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તસ્કરો જાણે કે, પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે.