સરકારી સંસ્થાઓ વેચી રહેલા પીએમ મોદી તાજમહેલ પણ વેચી શકે છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી ચૂંટણી સભાને સંબોધી હતી. સભા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સરકારી સંસ્થાઓને વેચવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ તાજમહેલ પણ વેચી શકે છે. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણી માટે છે, આ સરકાર માત્ર ૧૫ લોકોને ફાયદો પહોંચાડવા માટે છે. ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રસ નેતાએ કહ્યું કે પીએમ મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને યુવાનોને નોકરી આપવામાં કોઇ રસ નથી, પરંતુ સત્તામાં રહેવા માટે એક ભારતીયને બીજા ભારતીય સાથે લડાવી રહ્યા છે. બંને પાર્ટીઓ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે એમનો હેતુ સમાજમાં નફરત ફેલાવવાનો છે જે કોંગ્રેસના સમયમાં ન હતું. કોંગ્રેસ નેતાએ આર્થિક મંદી અને બેરોજગારી મુદ્દે તથા હિંસાને પ્રોત્સાહન આપવા માટે બીજેપી પર નિશાન સાધ્યા હતા. રાહુલે કહ્યું કે બીજેપી ધર્મોની વાત કરે છે, પરંતુ એકપણ ધર્મનું જ્ઞાન નથી. તેમણે સવાલ કર્યો હતો કે કયા ધર્મમાં લખ્યું છે કે અન્ય લોકો પર હુમલા કરી તેમનુ દમન કરો?