સરકારી સહાય અપાવવાનાં બહાને ૧૬૦૦ મહીલાઓ સાથે રૂા.૪૨ લાખની ઠગાઈ
બે વ્યક્તિનું કારસ્તાનઃ કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, લાલચ હોય ત્યાં ધુતારા ભુખ્યા ન મરે એ કહેવતને અમદાવાદીઓ સાચી પાડી રહ્યા હોય એવાં બનાવો હવે છાસવારે બહાર આળી રહ્યા છે ત્યારે શહેરનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક બંટી બબલી વિરુધ્ધ ફરીયાદ નોંધાઈ છે જે મુજબ તેમણે આશરે ૬૦૦ જેટલાં લોકોને સરકારી સહાય અપાવવાનાં નામે ૬૦ લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી. જેમાંથી ૧૮ લાખ રૂપિયા પરત આપી દેતાં ૪૨ લાખની ઠગાઈની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે વંદનાબેન સોલંકી ન્યુ આદર્શ સોસાયટી, કાંકરીયા ખાતે રહે છે અને ચંડોળા ઉત્તમનગર હેલ્થ સેન્ટર માં નોકરી કરે છે. જ્યારે તેમના પતિ એએમટીએસમાં ડ્રાઈવર છે. વંદનાબેન વર્ષ માર્ચ ૨૦૧૯માં ગાંધીનગરનાં વાવોલમાં આવેલી એસબીઆઈ બેન્કમાં મુદ્રાલોન માટે ગયા હતા.
એ વખતે ત્યાં સંતોષ કચરાભાઈ રાવલ (લોટરી પ્રમુખ ફ્લેટ સરગાસણ ગાંધીનગર) સાથે તેમની મુલાકાત થઈ હતી. સંતોષે તેમને મુદ્રા લોન પ્રાપ્ત કરાવવાની બાહેંધરી આફી વંદનાબેનનાં દસ્તાવેજાે તથા બેન્ક ખાતુ ખોલાવવા ૩૦૦૦ રૂપિયા લીધા હતા. થોડાં દિવસ બાદ લોન નહી થાય તેમ કહી રૂપિયા પરત કર્યા હતા. બાદમાં સંતોષે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૬૦ હજાર તથા કન્યા વિવાહ યોજના હેઠળ ૫૧ હજાર રૂપિયા અપાવવાની વાત કરી હતી.
જેથી વંદનાબેને અન્ય મહીલાઓ પાસેથી દસ હજાર રૂપિયા તથા દસ્તાવેજ લઈ સંતોષને આપતાં તેણે આઠ મહિલાઓને ૬૦ હજારની સહાય ગાંધીનગર બોલાવીને આપી હતી.
જેમાંથી દરેક પાસેથી દસ હજાર રૂપિયા કમિશનનાં લીધા હતા. ત્યાર બાદ તમામને વિશ્વાસ આવતાં વંદનાબેને સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ દીઠ ૩૫૦૦ રૂપિયા ઉઘરાવીને ૧૨૦૦ મહીલાઓનાં રૂપિયા સંતોષ અને તેની સાગરીત વૈશાલી ઉર્ફે પૂજા રઘજી પટેલ (શિવેશ-૯૫ વાવોલ, ગાંધીનગર)ને આપ્યા હતા. ઉપરાંત કન્યા સહાય યોજના અંતર્ગત ૪૦૦ ફોર્મ ભરીને ૧૮ લાખ રૂપિયા બંનેને આપ્યા હતા.
સંતોષ અને વૈશાલીએ છ મહીના બાદ સહાયની રકમ મળશે તેમ કહ્યુ હતું. જાે કે ઘણો સમય વીતવા છતાં તેમણે કોઈ રકમ ન આપતાં બંનેને પૂછતાં તેમણે ઊડાઉ જવાબ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી વંદનાબેને બંનેની તપાસ કરતાં આશરે ૧૬૦૦ જેટલી મહીલાઓ સાથે છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જેના પગલે રૂપિયાની ઉઘરાણી કરતાં સંતોષે ટુકડે ટુકડે ૧૮ લાખ રૂપિયા પરત કર્યા હતા. પરંતુ બાકીના ૪૨ લાખ રૂપિયા ન આપતાં વંદનાબેન કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સંતોષ અને વૈશાલી વિરુધ્ધ છેતરપીડીની ફરીયાદ નોંધાવી છે.
આશરે ૧૬૦૦ મહીલાઓ સાથે ૪૨ લાખની ઠગાઈનો બનાવ સામે આવતા પોલીસ સહીત સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. કાગડાપીઠ પોલીસ દ્વારા બીગ બજાર ચોકીનાં મહીલા પીએસઆઈ વાઘેલાને આ તપાસ સોંપવામાં આવી છે.