Western Times News

Gujarati News

સરકારી સેવાના માધ્યમો થકી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં સંભળાય છે સંવેદના-હૂંફના સંવાદો

રાજકોટની સિવિલમાં દર્દી અને સ્વજનોના દરરોજના ૪૦૦ વિડીયોકોલ થકી તંત્રની અનોખી સેવા

ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં કંટ્રોલ રૂમમાંથી રોજ બે વખત દર્દીના સગાને દર્દીની સ્થિતિની ફોન કરીને અપાય છે જાણકારી: રોજ ૬૫૦ કોલ થાય છે

હેલ્પડેસ્ક કંટ્રોલરૂમમાં ચાર તબીબ સહિત ૪૨ના સ્ટાફની ૨૪ કલાકની અવિરત સેવા સિવિલ હોસ્પિટલમાંથી સારવાર કરતાં ડોક્ટર પણ દર્દીના સગા સાથે સીધી વાત કરે છે

ડોક્ટર સાહેબ, તમે મારા સ્વજનની સારવાર કરો છો. સારું થયું કે તમે વિડીયોકોલથી મારી સમક્ષ આવ્યા. તેઓએ કદાચ તમને નહીં કહયુ હોય પરંતુ તેમણે ૩૦ વર્ષ પહેલા હૃદયના વાલ્વનું ઓપરેશન કરાવ્યું છે. કોરોનાની સારવારમાં તેની કોઈ અસર કે તકલીફ તો નહીં થાય ને ?  ના કોઈ તકલીફ નહીં પડે.  વિડીયો કોલ માં તમે પણ  વાત કરી. તેમની તબિયત સુધારા પર છે અને હવે કદાચ ઓક્સિજનની પણ જરૂર નહીં પડે. ઓકે થેંક્યુ. રિપોર્ટ નોર્મલ આવે છે. હવે તમે જમતા રહો. ભાઈ સાથે પણ વાત કરો.

આ સંવાદો રાજકોટની સિવિલ હોસ્પિટલની સામે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં સરકારી સેવાના માધ્યમથી દર્દી ડોક્ટર સ્ટાફ અને દર્દીના સગા વચ્ચેના છે. મહામારીના કપરા કાળમાં  સંવેદનાના આ સંવાદો આશા જન્માવે છે. કોરોના સામેની લડતને પણ મજબૂત કરે છે .સરકારી તબીબો અને નર્સિંગ સ્ટાફની હૂંફ દર્દીને હિંમત આપે છે. વિડીયોકોલથી   જ્યારે દર્દી ની સામે તેના અંગત સ્વજન વાત કરે છે ત્યારે દર્દીને થાય છે કે હું એકલો કે એકલી નથી. દર્દીને  બેભાન હાલતમાં દાખલ કર્યા હોય અને પછી તબિયત સુધરે ત્યારે દર્દીનો વિડીયોકોલમાં હાકારો સંભળાતા સ્વજનોના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. અને આ ખુશી જોઇને કંટ્રોલ રૂમમાં કામ કરતાં ચાર તબીબ સહિત ૪૨ જણાનો દિવસ ભરમાં કામ કર્યાનો થાક ઉતરી જાય છે.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં કોરોનાની ગંભીર અસર વાળા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અદ્યતન સારવારને લીધે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેના સગા સ્વજનો તથા પરિવારજનો સાથે વિડીયો કોલ અને ફોન કોલ થી સંવાદ થાય અને પરિવારજનોની ચિંતા હળવી થાય તે માટે સંવેદનશીલ અભિગમ થી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ૨૪ કલાક ચાલતો કંટ્રોલરૂમ કાર્યરત છે.

જેમાં રોજ ૪૦૦ વિડીયો કોલ થકી વહીવટીતંત્ર- હોસ્પિટલ તંત્ર દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે. દરરોજ ૬૫૦ થી ૭૫૦ પ્રોએક્ટિવ કોલ દ્વારા દર્દીના સગા સંબંધીને દર્દી ની તબિયતની સ્થિતિની જાણકારી સામેથી આપવામાં આવે છે. કંટ્રોલ રૂમની હન્ટિંગ લાઇન પર પૂછપરછના ૨૫૦ જેટલા કોલ અને એટલી જ સંખ્યામાં રૂબરૂ પણ  દર્દીના સગાને ડ્યુટી પર ના સ્ટાફ દ્વારા જવાબ આપવામાં આવે છે.

નર્સિંગ અને હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા સારવારની સાથે સાથે દર્દીને જમવા થી માંડીને બીજી બધી જ પ્રકારની મદદ પરિવારના સભ્યોની જેમ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લા તંત્રની આ માનવતા ભરી અને સેવાકીય કામગીરીને દર્દીના સગા સંબંધીઓ અને દર્દીઓએ પણ આવકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.