સરકારી હોસ્ટેલમાં છોકરીઓના કપડાં ઉતરાવી ડાન્સ કરાવાયો
મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. આ ઘટનાથી એ પણ જાણવા મળી રહ્યું છે કે, ગુનેગારોની હિંમત કેટલી વધી ગઈ છે કે, તે છોકરીઓને જબરજસ્તી નગ્ન ડાન્સ કરાવતા પણ ડરતા નથી. જલગાંવ જિલ્લાની સરકારી હોસ્ટેલમાં રહેતી છોકરીઓની સાથે આ શરમજનક ઘટના બની છે. ચોંકાવનારી વાત તો એ છે કે, કેટલાક પોલીસકર્મીઓ અને બહારના લોકોએ હોસ્ટેલમાં રહેતી છોકરીઓને ન્યૂડ ડાન્સ કરવા મજબૂર કરી.
આ મુદ્દો આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહમાં પણ ઉઠાવ્યો. આ મુદ્દાન લઈને વિપક્ષમાં બેઠેલા ભાજપે મહાવિકાસ અઘાડી સરકારને નિશાના પર લીધી. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, હવે મહારાષ્ટ્રમાં ગુનેગારોની હિંમત સાતમા આસમાને છે અને એવું લાગે છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો સમય આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે તે ઘણી જ શરમજનક છે.
વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવાયા બાદ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે આ મામલે નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપી છે. હકીકતમાં, આ મામલો જલગાંવની આશાદીપ મહિલા છાત્રાલયનો છે, જ્યાં રહેતી યુવતીઓના કપડાં ઉતરાવી તેમને ડાન્સ કરવા મજબૂર કરવામાં આવી. આ ઘટનાનો એક વિડીયો પણ કલેક્ટર અભિજીત રાઉતને સોંપવામાં આવ્યો છે. કલેક્ટરે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. અહીં રહેતી છોકરીઓએ આરોપ લગાવ્યો છે કે, ૧ માર્ચે કેટલાક પોલીસકર્મીઓ અને બહારથી આવેલા લોકોએ જબરજસ્તીથી કપડાં ઉતરાવી તેમને ડાન્સ કરાવ્યો.