સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની તંગી
અમદાવાદ, એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અન્ય એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જાેવા મળી રહી છે. સરકારના ડેટા અનુસાર, ગુજરાતમાં અત્યારે સર્જન, બાળરોગોના નિષ્ણાંત, ગાયનેકોલોજીસ્ટ વગેરે જેવા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ૯૯ ટકા અછત વર્તાઈ રહી છે.
રાજ્યના તમામ મોટા રાજ્યોની સરખામણીમાં આ આંકડો સૌથી મોટો છે. ગુજારતની અન્ય રાજ્યો સાથે સરખામણી કરવામાં આવે તો, માત્ર મિઝોરમની સ્થિતિ ગુજરાત કરતા ખરાબ છે. આ યાદીમાં મિઝોરમ સૌથી નીચે અને તેનાથી ઉપર ગુજરાત છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં અત્યારે ૧૩૯૨ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જરુર છે અને ૯૯ ટકા તબીબોની ભરતી હજી બાકી છે.
જ્યારે મિઝોરમની વાત કરીએ તો અહીં ૩૬ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જરુર છે, અને ૧૦૦ ટકા ભરતી બાકી છે. ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં ૬૪ ટકા, મધ્ય પ્રદેશમાં ૯૬ ટકા, રાજસ્થાનમાં ૮૦ ટકા, બિહારમાં ૪૬ ટકા, ઉત્તર પ્રદેશમાં ૭૧ ટકા, પશ્ચિમ બંગાળમાં ૫૪ ટકા તબીબોની અછત જાેવા મળી રહી છે.
ડેટા અનુસાર ગુજરાતમાં ૧૩૯૨ સર્જન, ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, ગાયનેકોલોજીસ્ટ વગેરેની જરુર છે જેની સામે માત્ર ૧૩ પોસ્ટ ભરાયેલી છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તબીબોની નિમણુકની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકારે ૧૮૬૯ પોસ્ટ માટે પરવાનગી આપી છે, જેમાંથી ૧૪૯૦ ભરાઈ ગઈ છે. એક ઉચ્ચ સ્વાસ્થ્ય અધિકારી જણાવે છે કે, રાજ્ય સરકારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેમને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો નથી મળી રહ્યા.
પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, ઘણાં લોકો સરકારી ક્ષેત્રમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવા નથી માંગતા. આટલુ જ નહીં, તબીબો માટે પ્રસ્તાવિત મહેનતાણામાં પણ બદલાવ લાવવાની જરુર છે. સરકારી હોસ્પિટલમાં કામ ન કરવા પાછળનું તે પણ એક કારણ હોઈ શકે છે.
આ ક્ષેત્ર સાથે સંકળાયેલ અન્ય એક અધિકારી જણાવે છે કે, એવું જાેવા મળી રહ્યું છે કે બે અથવા ત્રણ સુપર સ્પેશિયાલિટી તબીબો ભેગા મળીને પોતાની હોસ્પિટલ ઉભી કરે છે, અને પ્રમાણમાં તેમને ત્યાં વધારે કમાણી થતી હોય છે. સરકારે સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબોની પાર્ટ-ટાઈમ ભરતી કરવાની શરુઆત પણ કરી હતી.SSS