સરકારે કરેલા ફી નહીં લેવાના પરિપત્રનો વિરોધ કરી ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું

પ્રતિનિધિ દ્વારા ભિલોડા ગુજરાત રાજય સરકાર દ્વારા શાળાઓ ખુલે નહી ત્યાં સુધી ફિ વસુલવા ઉપર પાબંદી મુકવાના પરીપત્ર સામે રાજયભરની ખાનગી શાળાઓને વિરોધ દર્શાવી રહી છે અને આજ થી ઓનલાઈન શિક્ષણ સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે અલબત જે વિદ્યાર્થીઓએ ફિ ભરી છે તે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાના મુદ્દે ત્રણ ચાર દિવસ પછી વિચારવામાં આવશે.તેમ ગુજરાત રાજય ખાનગી શાળા સંચાલક મંડળે જાહેર કર્યું હતું.
ત્યારે અરવલ્લી જીલ્લામાં આવેલી ૫૦ થી વધુ ખાનગી શાળોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરી સરકારે પરિપત્ર પાછો ખેંચે તેવી માંગ કરી હતી હાલ તો સરકાર અને સંચાલક મંડળની લડાઈમાં બાળકોનું ભાવિ જોખમમાં ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે તો હજારો વિદ્યાર્થીઓનું ભાવિ પર સંકટ પેદા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લામાં આવેલી ૬ તાલુકામાં ૫૦ થી વધુ ખાનગી શાળાઓ ધમધમી રહી છે જે પૈકી અનેક સ્કૂલો ફી નીર્ધારણ સમિતિના નિયમોને ઘોળીને પી ગઈ છે. વધારાની ફી પરત આપવાના આદેશને અનુસરવાને બદલે વાલીઓને શાળા સંચાલકો ઉલ્લુ બનાવી રહ્યા છે.કેટલીક સ્કૂલોએ કર્મચારીઓને પૂરો પગાર નથી આપતી તો અમુક શાળાઓ શિક્ષકોને છૂટા કરી રહી છે.દરમિયાન આજે જીલ્લાના ખાનગી શાળા સંચાલકો દ્વારા જ્યાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવાનો આદેશ કરતા તેની સામે વિરોધ દર્શાવી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય લેતા કોરોનાની મહામારીને દૈનિક શિક્ષણકાર્ય ખોરંભે પડયું છે.
જીલ્લામાં અગ્રણી ખાનગી શાળાઓએ મોટાભાગના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી લીધી છે ત્યારે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાની જે ચીમકી વિદ્યાર્થીઓને આપી છે તેનાથી ફી આપનારા વિદ્યાર્થીઓને અન્યાય થશે. કોરોનાના સમયમાં વિદ્યાર્થીને મદદરૂપ થવાને બદલે ધંધાદારી શાળઓ પોતાનું અંગત હિત સાચવવા માટે ઓનલાઈન બંધ કરી દેવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
જીલ્લામાં ખાનગી શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર,શિક્ષણ વિભાગે જે પરીપત્ર જાહેર કર્યો છે.તેમાં શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી શિક્ષણ ફી નહી વસુલવાની તાકીદ કરી છે.તેની સામે અમારો વિરોધ છે. તેમ જણાવી તેઓએ ઉમેર્યું હતું કે,ઓનલાઈન શિક્ષણ એ શિક્ષણનો જ એક ભાગ છે તેમ સરકાર સ્વીકારે છે ત્યારે શિક્ષણ ફી વસુલવા ઉપર પાબંદી મુકવાની નીત અન્યાયી છે.