સરકારે માસ્ક- સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવ્યા
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોના કારણે સરકારે માસ્ક અને સેનિટાઇઝર આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ફરી એકવાર બદલવામાં આવ્યો છે. સરકારે માસ્ક અને સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવી દીધા છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાનએ ટિ્વટ કરીને કહ્યું હતું કે કોરોના વાયરસના ખતરા બાદ બજારના વલણને જોતાં સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ-૧૯૫૫ની અનુસૂચીમાં સંશોધન કરી સર્જિકલ ફેસ માસ્ક, એન ૯૫ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને ૩૦ જૂન સુધી આવશ્યક વસ્તુ જાહેર કરી હતી. તેનાથી તેની ઉપલબ્તા વધશે અને કાળા બજારી અટકશે.
કોવિડ-૧૯ના પ્રકોપ અને પ્રબંધન માટે લાજિસ્ટિક સંબંધી ચિંતાઓને જોતા સરકારે આ નિર્ણય લીધો હતો કારણ કે માસ્ક (૨ પ્લાય અને ૩ પ્લાય સર્જિકલ માસ્ક, એન ૯૫ માસ્ક) અને હેન્ડ સેનિટાઇઝર બજારમાં મોટાભાગના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી અથવા તો ખૂબ વધારે ભાવે મુશ્કેલીથી ઉપલબ્ધ થઈ રહ્યા હતા. કાયદો તોડ્યો તો ૭ વર્ષની સજાઃ મંત્રાલયના નિવેદન મુજબ, સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ, ૧૯૫૫ની અનુસૂચીમાં સંશોધન કરતા માસ્ક અને સેનિટાઇઝરને ૩૦ જૂન ૨૦૨૦ સુધી આવશ્યક વસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આવશ્યક વસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરાનારને સાત વર્ષની સજા થઈ શકે છે અથવા તો દંડ ભરવો પડી શકે છે, કે જેલ અને દંડ બંને થઈ શકે છે.