સરકારે સ્કૂલોની ફીમાં ૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો
ગાંધીનગર: ગુજરાત સરકાર આજે ફી અંગે મહત્વનો ર્નિણય લીધો છે. ગુજરાત સરકારે શાળાની ફીમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી છે. તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ ર્નિણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે સીબીએસઈને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે ર્નિણય જાહેર કર્યો છે. નોંધની. છે કે, વાલીઓની ૧૦૦ ટકા ફી માફીની માંગણી હતી જે બાદ આજે વાલીઓ સરકારના આ ર્નિણયથી નારાજ દેખાઇ રહ્યાં છે.
ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાલા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની ફી જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કાૅંગ્રેસ ૧૦૦ ટકા ફી માફીની વાત કરે છે. મારે કાૅંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કૉગ્રેસશાસિત કયા રાજ્યમાં સ્કૂલ ફીમાં ૧૦૦ ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કાૅંગ્રેસશાસિત પ્રદેશોમાં ૧૦૦ ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં ૧૦૦ ટકા ફી માફીની માંગણી કરે.
તેમણે અપીલ કરતા જણાવ્યું કે, મારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે, આપણને બધાને શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે આ અંગે કોઇ વાદવિવાદ ન થાય. વાલી મંડળની ૧૦૦ ટકા ફી માફીની માંગણીગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ પટેલનું કહેવું છે કે, સરકારનાં ફેંસલા બાદ અમે બેઠક બાદ ર્નિણય કરીશું કે હવે શું કરવું. વાલી મંડળના અન્ય આગેવાન કમલ રાવલનું કહેવું છે કે, સરકાર ૧૦૦ ટકા માફી આપે. ગુજરાત કાૅંગ્રેસનાં નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી.
સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી રહી છે. નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા અને સરકારે ૨૫ ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ૮૮ ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં ૩ વર્ષમાં ૭૭ ટકા ફી વધારો થયો. સરકાર ૨૫ ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી. બીજી બાજુ મંગળવારે, એટલે ગઇકાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો છે.
મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો હતો. ત્રણ દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા ૨૫ ટકા ફી માફીની વાત કરાઈ હતી જ્યારે વાલી મંડળમાં ૫૦ ટકા અને ૧૦૦ ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. ત્યારબાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી.
પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવી રીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્યા હતા. તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા. મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં નહીં જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા.