સરકાર અને ખેડૂતોની 11મી બેઠક પણ નિષ્ફળ: સરકારે કહ્યું – આનાથી વધારે કંઇ નહીં કરી શકિએ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનૂનો મુદ્દે શરુ થયેલા ખેડૂતોના વિરોધનો કોઇ નિવેડો નથી આવની રહ્યો. છેલ્લા બે મહિના જેટલા સમયથી હજારોની સંખ્યામાં ખેડૂતો રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે સામાધાન માટે સરકાર ને ખેડૂતો વચ્ચે મળેલી 11મી બેઠક પણ નિષ્ફળ રહી છે. આ પહેલા સરકાર અને ખેડૂતો વચ્ચે 10 બેઠકો યોજાઇ ચુકી છે, જેમાં કોઇ સામાધાન મળ્યું નથી.
શુક્રવારે દિલ્હીના વિજ્ઞાન ભવનની અંદર ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે 11મી બેઠક મળી હતી. સરકાર તરફથી નરેન્દ્ર સિંહ તોમર અને પિયુષ ગોયલે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જો કે આ ચર્ચાનું કોઇ પરિણામ મળ્યું નથી. આગલી બેઠકની માફક આ બેઠક પણ નિષ્ફળ રહી છે. આ પહેલાની બેઠકમાં સરકારે ખેડૂતો સમક્ષ કૃષિ કાયદાઓ ઉપર અસ્થાયી રોક લગાવવાનો પ્રસ્તાવ મુક્યે હતો.
સરકારે ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો કે દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવામાં આવે અને સરકાર તેમજ ખેડૂતોની સંયુક્ત કમિટિ આ અંગે ચર્ચા કરે. ત્યારે ખેડૂતોએ આ પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે અને કાયદા પરત લેવાની પોતાની માંગ પર અડગ રહ્યા છે. તો સામેની તરફ સરકાર પણ કૃષિ કાયદામાં સંશોધન પર અડગ છે, કાયદાને પરત લેવા માટે તૈયાર નથી.
બેઠક પુરી થયા બાદ સરકાર હવે કડક વલણમાં દેખાઇ રહી છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમે જે પ્રસ્તાવ આપ્યો છે તે ખેડૂતોના હિતમાં છે. આનાથી વધારે અમે કંઇ કરી શકીએ તેમ નથી. કૃષિ કાયદામાં કોઇ ભૂલ નથી. તમારા સન્માનમાં અમે તમને પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ તમે નિર્ણય ના કરી શક્યા. જો તમે કોઇ નિર્ણય કરો તો અમને જણાવજો. આગળની કોઇ તારીખ નક્કી નથી.