“સરકાર આપના દ્વારે” ના અભિગમને ચરિતાર્થ કરતાં અમદાવાદ કલેક્ટર
સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ તે જોવા માટે રૂબરૂ જ સરકારી કચેરીની મુલાકાત લીધી
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી કે.કે. નિરાલાએ સરકારી યોજનાનું અમલીકરણ કરતી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઇને “સરકાર આપના દ્વારે” ના અભિગમને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. સામાન્ય રીતે લોકોના મનમાં એવી છાપ હોય છે કે, અધિકારોઓ પોતાની ચેમ્બરમાંથી નિકળતાં નથી.
આ માન્યાતાની વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરશ્રીએ આજે અચાનક જ વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. લોકોને સ્પર્શતી વિવિધ બાબતો માટે લોકો જ્યારે આ કચેરીઓની મુલાકાત લે ત્યારે તેમને નિયત સમય મર્યાદામાં તેમના પ્રશ્નોનો હલ મળે તેવી સંવેદનશીલતા દાખવીને કલેક્ટરશ્રીએ આ મુલાકાત લીધી હતી.
તેમણે પોલિટેકનિક, આંબાવાડી ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી, નારોલ અને દસ્ક્રોઇ તાલુકાના મહેસૂલ ભવનની રૂબરૂ મુલાકાત અધિકારીઓને લોકો સાથે પૂરી નિશ્બત અને સંવેદનશીલતાથી કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતાં.
તેમણે કચેરીઓ ખાતે લોકો માટે ઉપલબ્ધ સુવિધાઓ અને રોજેરોજના કામમાં પડતી મુશ્કેલીઓ જાણી તેનો વ્યવહારું ઉકેલ કેવી રીતે લાવી શકાય તે માટેનું માર્ગદર્શન અધિકારીઓને પૂરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ તેમની આ મુલાકાતમાં રેકર્ડ રૂમની વ્યવસ્થા અને કચેરીમાં આવનાર નાગરિકોને કઇ રીતે સારી સેવા પૂરી પાડી શકાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમની આ આકસ્મિક મુલાકાતને ઉપસ્થિત નાગરિકોએ સરકારની હકારાત્મતાને કારણે આજે લોકોને ઘર આંગણે સેવાઓ મળી રહી છે તેમાં કલેક્ટરશ્રી જેવા અધિકારીઓની ત્વરિત નિર્ણય શક્તિ, અધિકારીઓને સતત માર્ગદર્શન તથા લોકોના પ્રશ્નો પોતાના પ્રશ્નો છે તેમ સમજી તેની ઉકેલવાની તત્પરતાને બિરદાવી હતી. તેમની આ મુલાકાત વખતે જે તે કચેરીના વરિષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આલેખનઃ સુનીલ પટેલ