‘સરકાર આર્થિક સહાય કરે છે’ કહીને ગઠિયાએ રૂપિયા પડાવી લીધા

પ્રતિકાત્મક
ઝેરી દવા પીધી હોવાથી પિતાએ દીકરાને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો
અમદાવાદ, ગુજરાત સરકાર તમારા સમાજને એક લાખ સાત હજારની સહાય આપે છે. તેમાંથી હોસ્પિટલનું બિલ ભરી દેજાે અને બાકીના રૂપિયા તમે રાખજાે. આમ કહીને ગઠિયાએ ટેક્સના બહાને ૧૮,૦૦૦ રૂપિયા પિતા પાસેથી પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. દીકરાએ ઝેરી દવા પીધી હોવાથી ખેડૂતે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દીકરાને દાખલ કર્યો છે.
દસ્ક્રોઇમાં રહેતા મૂળજીભાઇ રાઠોડે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૂળજીભાઇ ખેતીકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળજીભાઇને સંતાનમાં ચાર દીકરા અને બે દીકરી છે. જેમાં સૌથી નાનો દીકરો અને બે દીકરી છે. જેમાં સૌથી નાનો દીકરો સતીશ કોઇ કામ ધંધો કરતો નથી. જેથી દીકરા સંતીશને કામ બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો.
સતીશને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. મૂળજીભાઇએ દીકરાને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ સમયે એક શખ્સે મૂળજીભાઇ પાસે આવીને કહ્યું કે તમારા ક્યાં સંબંધીને દાખલ કર્યા છે. જેથી મૂળજીભાઇએ કહ્યું કે મારા દીકરાને દાખલ કર્યો છે.
આમ કહેતા તે શખ્સે મૂળજીભાઇને વાત કરી કે આજે સાંજે રજા આપી દેશે અને તમારે ૩૬,૦૦૦ રૂપિયા હોસ્પિટલનું બિલ ભરવાનું છે. જેથી મૂળજીભાઇએ બિલ થોડુ માફ કરાવી આપવાની વાત કરી હતી.
તે શખ્સે મૂળજીભાઇને કહ્યું કે ગુજરાત સરકાર તરફથી દેવીપૂજક સમાજને એક લાખ સાત હજાર રૂપિયા સહાય મળે છે. જેમાંથી તમે હોસ્પિટલનું બિલ ભરી દેજાે અને બાકીના રૂપિયા તમારી પાસે રાખજાે. મારે સરકારી સહાય મંજૂર કરાવવાના રૂપિયા ભરવા પડશે. જે અઢાર ટકા ટેક્સ સાથે ૧૮,૦૦૦ રૂપિયા આપવા પડશે.
જેથી મૂળજીભાઇએ તેમની દીકરી પાસેથી રૂપિયા લઇને આ શખ્સને આપ્યા હતા. મૂળજીભાઇ અને તેમના બનેવીને આ શખ્સ રિક્ષામાં બેસાડીને અપના બજાર લઇ ગયો હતો. મૂળજીભાઇએ તે શખ્સને ૧૮,૦૦૦ રૂપિયા આપી દેતાં તે શખ્સે કહ્યું કે તમે અહીં ઊભા રહો હું સાહેબની સહી કરાવીને આવું ચું.
આમ કહીને તે રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ શખ્સ ન આવતા મૂળજીભાઇને તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.