સરકાર જૂની હિંદી ફિલ્મોના લાલચી સાહૂકાર જેમ ટેક્સ વસૂલીથી કમાઈ રહી છેઃરાહુલ ગાંધી

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો માટે એક વાર ફરીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટિ્વટ કરીને લખ્યુ કે એક તરફ જનતાને લોન લેવા ઉકસાવી રહ્યા છે અને બીજી તરફ ટેક્સ વસૂલીથી અંધાધૂંધ કમાઈ રહ્યા છે. સરકાર છે કે જૂની હિંદી ફિલ્મોના લાલચી સાહૂકાર. રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટને પણ ટિ્વટ કરીને શેર કર્યો છે જેમાં પેટ્રોલ અને ડીઝલ પર ૮૮ ટકાની એક્સાઈઝ ડ્યુટીના ઉછાળાનો હવાલો આપવામાં આવ્યો છે જેના દ્વારા સરકારે ૩.૩૫ લાખ કરોડ રૂપિયાની રકમ એકઠી કરી છે.
એ યાદ રહે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નથી થઈ રહ્યો. ક્રૂડ ઓઈલ ૭.૬૩ ટકા ઘટીને ૬૬.૩૩ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયુ છે. પરંતુ ઘરેલુ બજારમાં જનતાને આનો કોઈ ફાયદો નથી મળી રહ્યો. છેલ્લા ત્રણ વર્ષથી રસોઈ ગેસની કિંમતો સ્થિર છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતોમાં વધારો કરવામા આવ્યો છે. દિલ્લીમાં આજે પેટ્રોલના ભાવ ૧૦૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે જ્યારે ડીઝલના ૮૯.૮૭ પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે.
છેલ્લા ૪૨ દિવસોમાં પેટ્રોલના ભાવમાં ૧૧.૫૨ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. હાલમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે જેને જાેતાં ઈંધણ કંપનીઓએ ૨૭ ફેબ્રુઆરીએ છેલ્લી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો ત્યારબાદ બે મહિના સુધી કિંમતમાં વધારો કરવામાં આવ્યો નહિ પરંતુ ત્યારબાદ સતત અટકી-અટકીને ભાવમાં વધારો કરવામાં આવ્યો. ઈંધણના વધતા ભાવો સામે સોમવારે સંસદના ચોમાસુ સત્રમાં ટીએમસીના સાંસદ સાઈકલથી પહોંચ્યા અને પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજીના વધતા ભાવ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.