સરકાર ત્રીજી લહેરની તૈયારી કરવાને બદલે ઉત્સવો કરી રહી છેઃ અમિત ચાવડા

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા લોકોને રીજવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપે ૫ વર્ષ પૂર્ણ થયાના ૯ દિવસની ઉજવણી પછી હવે જન આશીર્વાદ યાત્ર કાઢી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્ર શરૂ કરી છે. ભાજપને કેન્દ્રીયમંત્રી મહેન્દ્ર મુંજપરાએ અમદાવાદથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો છે. માતા ભદ્રકાળીના દર્શન કરીને તેમને યાત્રાનો પ્રારંભ કર્યો છે. તો બીજી તરફ અંબાજી ખાતે કેન્દ્રીયમંત્રી દેવુંસિંહ ચૌહાણે અંબાજી માતાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીયમંત્રી દર્શના જરદોષ પણ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. ભાજપના કેન્દ્રીયમંત્રીઓની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં જાેડાઈ રહ્યું છે. ક્યાંક સામાજિક અંતરના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. તો ક્યાંક યાત્રામાં માસ્કના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કોરોના મહામારીના કાળમાં કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા કાર્યોથી નાગરીકોને વાકેફ કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર ગુજરાતમાંથી મંત્રી મંડળમાં સામેલ ૫ કેબીનેટ મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા નીકાળી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, આ જન આશીર્વાદ યાત્રા ૮૧ વિધાનસભા અને ૧૮ લોકસભાના વિસ્તારમાંથી પસાર થશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવેલી આફતોમાં સૌથી ખરાબ સમય કોરોનાનો કાળનો રહ્યો છે. જીવલેણ કોરોનાથી જેટલા લોકો મર્યા નથી તેટલા લોકો સરકારના અણઘડ વહીવટથી મર્યા છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. તેવામાં તૈયારીઓ કરવાની જગ્યાએ સરકર ઉત્સવો કરી રહી છે. ગુજરાત સરકાર લાજવાના બદલે ગાજી રહી છે.
મહત્ત્વની વાત છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ ખૂબ જ વધ્યું હતું. હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ ગયા હતા અને દર્દીઓને હોસ્પિટલની બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહેવાનો વારો આવ્યો હતો. તો સારવારના અભાવે ઘણા લોકોના મોત થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. સ્મશાનમાં પણ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે લોકોને વેઈટીંગમાં ઉભા રહેવું પડ્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.HS