સરકાર પ વર્ષમાં ઘણી જગ્યાએ બે લાખ યુવાનોની ભરતી કરશે
ગાંધીનગર, નાણાંમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રોજગારીને લઈને મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે પોતાની બજેટ સ્પીચ વાંચતા જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનોમાં, ગ્રાન્ટેડ સંસ્થાઓમાં તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, માત્ર સરકારમાં જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રોમાં પણ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓને રોજગાર મળી રહે તે માટે પણ સરકારે આયોજન કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે તથા સેવાકીય ક્ષેત્રે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ વધી રહ્યું છે, જેના કારણે વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો પણ ઉપબલ્ધ થઈ છે. ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ.ટી., પ્રવાસન, હોસ્પિટાલિટી, ફુડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેક્ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.
રોજગાર ઉપરાંત, સરકારે શિક્ષણ માટે પણ આ બજેટમાં ૩૨,૭૧૯ કરોડ રુપિયાની જાેગવાઈ કરી છે. ૩૪૦૦ જેટલી સ્કૂલોમાં તમામ સુવિધાઓ ઉભી કરવા માટે પાંચ વર્ષ માટે ૧૨૦૭ કરોડ રુપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧-૮માં આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત ૧૦૪૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
આરટીઈ હેઠળ રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે ૫૬૭ કરોડની જાેગવાઈ કરાઈ છે. આ સિવાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રુપે રાહત પૂરી પાડવા માટે ૨૮૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
આ બજેટમાં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે ૨૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને એસટી બસના ફ્રી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.