સરકાર ભગવદ્ ગીતા પર લગભગ ૫૦ લાખ પૂરક પુસ્તિકાઓ તૈયાર કરશે
શાળામાં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત
ગાંધીનગર, સોમવારથી શરુ થયેલા શૈક્ષણિક સત્રથી સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે એવી જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. ત્યારે ગુજરાત સરકાર ભગવદ્ ગીતા પર લગભગ ૫૦ લાખ પૂરક પુસ્તિકાઓ તૈયાર કરવાની પ્રક્રિયા કરી રહી છે.
ભગવદ્ ગીતાની આ પૂરક પુસ્તિકા ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે. શૈક્ષણિક વર્ષની શરુઆતમાં તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓ આપવાના પ્રયાસ કરવામાં આવશે. ત્યારે આ મહિનાના છેલ્લાં સપ્તાહમાં યોજાનારા ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આ પુસ્તિકા સોંપવામાં આવશે.
જાે કે, વિદ્યાર્થીઓનું ગીતાના જ્ઞાન પર કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવશે એ મામલે સરકારે કોઈ જવાબ આપ્યો નથી. પૂરક પુસ્તિકાઓ સરકારી સ્કૂલોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. જ્યારે ખાનગી સ્કૂલો પોતાના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સમાવવા માગતા હોય તો વિદ્યાર્થીઓએ આ પુસ્તિકા ખરીદવી પડશે. સૂત્રોનું કહેવું છે કે, સંદર્ભ સામગ્રી ધોરણના આધાર પર અલગ અલગ હશે.
ધોરણ ૬થી ૯ માટેની સંદર્ભ સામગ્રીમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને વિદેશી લેખકો દ્વારા લખવામાં આવેલી ભગવદ્ ગીતાનો સમાવેશ હશે. ઉચ્ચતર માધ્યમિક વર્ગના વિદ્યાર્થીઓ ગીતાના ઉપદેશોનો વિગતવાર અભ્યાસ કરશે. ગીતાના ૧૮ અધ્યાયમાં રજૂ કરવામાં આવેલા વિચારો ઉચ્ચતર માધ્યમિક વર્ગમાં ભણાવવામાં આવશે. સરકારી સ્કૂલોના શિક્ષકો આ વિષય પર ઓરિએન્ટેશન સેશનમાંથી પસાર થશે.
આ વર્ષની શરુઆતમાં માર્ચ મહિનામાં ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં જાહેરાત કરી હતી કે, જૂન ૨૦૨૨થી શરુ થતા શૈક્ષણિક વર્ગમાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ શીખવાડવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના ર્નિણય પાછળના તર્કને સમજાવતા ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ ધર્મના લોકોએ પ્રાચીન હિન્દુ ગ્રંથમાં દર્શાવેલા નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકાર્યા છે. ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ‘સર્વાંગી શિક્ષણ’ પાઠ્યપુસ્તકમાં આ શાસ્ત્ર રજૂ કરવામાં આવશે. તેને ધોરણ ૯ થી ૧૨ માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં વાર્તા તરીકે રજૂ કરવામાં આવશે.SS2KP