સરકાર માત્ર તેની ઈમેજ પર ધ્યાન આપે છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી: દેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોરોના વાયરસની વેક્સિન મુદ્દે એકબીજા પર આક્ષેપો ચાલુ છે. ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા સોશ્યલ મીડિયા અને તેના પર પોતાની ખોટી છબી બનાવવાની છે.
જ્યારે લોકોને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. લોકોની પ્રાથમિકતા આસમાને પહોંચેલી મોંઘવારીથી છૂટકારો મેળવવાની અને કોરોનાની રસી લેવાની છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યું કે, આ કેવા સારા દિવસો છે ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જવાબ આપ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને કેટલાક નેતાઓ રોજ સવાલ પૂછે છે, યાદ રાખો એ વેક્સિનનો મામલો છે. કાઉન્ટર મળનારી કોઈ સાધારણ પેરાસિટામોલની ગોળી નથી કે તમે ગયા, ખરીદી લીધી અને ભારત લઈને આવી ગયા.
કેન્દ્ર સરકારે ભારતની અંદર વેક્સિન આવે એ માટે કાનૂનોને એપ્રિલથી સરળ બનાવ્યા છે. ભાજપ પ્રવક્તા પાત્રાએ આગળ કહ્યું કે ભારત બાયોટેકનો ફક્ત એક પ્લાન્ટ હતો, પરંતુ આજે ચાર પ્લાન્ટ છે, કારણ કે ભારત સરકારે વેક્સિન ઉત્પાદન માટે કામ કર્યું છે. પીએસયુને પણ ઉત્પાદન વધારવા મંજૂરી અપાઈ છે અને એ પણ કોવેક્સિનના ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી રહ્યા છે.