સરકાર લોકોની દિવાળી સુધારે સુપ્રીમ કોર્ટની ટકોર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા લોકોને ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે. આ સાથે એમ પણ કહ્યું કે કોઈપણ લોન એકાઉન્ટને ૧૫ નવેમ્બર સુધી નોન-પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી શકાશે નહીં. કારણે કે અમે આને પ્રતિબંધિત કરી રહ્યા છીએ. આ પહેલા સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત સોલિસીટર જનરલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંકોના વકીલ હરીશ સાલ્વેએ આ મામલે સુનાવણી ટાળવા વિનંતી કરી હતી. એ પછી કેસની સુનાવણી ૨ નવેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને તાત્કાલિક ધોરણે લાગૂ કરવી જોઈએ. આ માટે કેન્દ્રને એક મહિનાની મુદ્દત શું કામ જોઈએ? કોર્ટે કહ્યું કે જો સરકાર આ અંગે ર્નિણય લઈ લે તો અમે તરત જ આદેશ આપી દઈશું.
આ સાથે સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈ ૨ નવેમ્બર સુધી સર્કુલર લાવે. જેના પર સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર ૨ નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈ સર્કુલર જાહેર કરી દેશે. કોરોના મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેથી ઉદ્યોગો સંપૂર્ણ રીતે બંધ થતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
કેટલાક લોકોએ નોકરી પણ ગુમાવી હતી. આ પરિસ્થિતિઓમાં લોનના હપ્તાની ચુકવણી મુશ્કેલ બની હતી. તેથી આવી સ્થિતિને જોતા લોન મોરટોરિયમની સુવિધા આપી હતી. એટલે કે, લોનની હપ્તા મુલતવી રાખવામાં આવી હતી. કોઈ લોન પર મોરેટોરિયમનો લાભ લઈ હપ્તાની ચુકવણી નહીં કરી તો તે સમયગાળા માટેનું વ્યાજ મૂળમાં ઉમેરવામાં આવશે. એટલે કે હવે મુખ્ય રકમ વ્યાજ પર વ્યાજ લાગશે. આ વ્યાજ પર વ્યાજનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.