સરખેજમાં માસુમ બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશનઃ આરોપી સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી વધી રહી છે આ પરિસ્થિતિમાં થોડા દિવસ પહેલા સરખેજમાંથી લાપત્તા થયેલી માસુમ બાળા પર નરાધમે ત્રણ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. ત્રણ વર્ષની આ માસુમ બાળાનું મેડીકલ કરવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી
ત્યારબાદ લોકોના રોષને જાતા આ ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચે શરૂ કરી હતી અને ઝીણવટભરી તપાસ બાદ આ માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલો નરાધમ સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહયો છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ ચોંકાવનારી કબુલાતો કરી છે આજ સાંજ સુધીમાં આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીઓ તથા જાહેર રોડ પર યુવતિઓની છેડતી કરવાના બનાવમાં પોલીસતંત્ર સતર્ક બનેલુ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસતંત્ર દ્વારા યુવતિઓના રક્ષણ માટે સી ટીમની પણ રચના કરવામાં આવેલી છે. જેના પગલે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી રહી છે. ગઈકાલે એક યુવતિને પરેશાન કરી તેના પર એસિડ છાંટવાની ધમકી આપનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. શહેરમાં વધતી જતી આવી ઘટનાઓના પગલે પોલીસતંત્ર સતર્ક બનેલું છે.
આ દરમિયાનમાં શહેરના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. થોડા દિવસ પહેલા આ વિસ્તારમાંથી એક અઢી થી ત્રણ વર્ષ વચ્ચેની માસુમ બાળા અચાનક જ લાપત્તા બની ગઈ હતી જેના પગલે પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા હતાં. માસુમને શોધવા માટે પરિવારજનોએ સૌ પ્રથમ પરિચીતોના ઘરે તપાસ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો નહી લાગતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાળકો લાપત્તા થવાની ઘટનામાં પોલીસતંત્ર દ્વારા હવે ત્વરિત કામગીરી કરવામાં આવે છે.
લાપત્તા બાળકીને શોધવા માટે પોલીસતંત્ર સક્રિય બન્યું હતું ત્યાં જ ત્રણ દિવસ બાદ આ માસુમ બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી જેના પગલે પોલીસતંત્ર અને પરિવારજનો ચોંકી ઉઠયા હતાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાનું મનાઈ રહયું હતું જેના પરિણામે તાત્કાલિક આ બાળકીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેકઅપમાં આ બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું ખુલતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. બાળકીની પુછપરછ દરમિયાન કેટલીક વિગતો પ્રાપ્ત થઈ હતી.
માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો બીજી બાજુ ચોંકાવનારી આ ઘટનામાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી કુટેજ ચેક કરવામાં આવતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓને મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ હતી.
ક્રાઈમબ્રાંચના અધિકારીઓ છેલ્લા બે દિવસથી આરોપીની શોધખોળ શરૂ કરતા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઉપરાંત સીસીટીવી કુટેજના આધારે પણ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ગઈકાલ મોડી રાત્રે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આરોપી અંગે કેટલીક મહત્વપૂર્ણ વિગતો મેળવી હતી અને તેના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સમગ્ર ઓપરેશન ગણતરીના કલાકોમાં જ સફળતા પૂર્વક પૂર્ણ કરી દીધું હતું. માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ઝડપી લીધા બાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તેની પુછપરછ શરૂ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. પકડાયેલો શખ્સ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આરોપી બાળકીને ક્યાં ઉઠાવીને લઈ ગયો હતો અને ક્યાં ગોંધી રાખી હતી તે તમામ બાબતોની વિગતો મેળવવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવે તેવી શક્યતા છે.