સરખેજમાં વહેપારીના ઘરમાંથી રૂ.૧.૭૮ લાખની મત્તાની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. શહેરના સરખેજ વિસ્તારમાં ગઈકાલે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૧.૭૮ લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા સરખેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે દિવાળીનો તહેવાર નજીક આવતા જ તસ્કરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે.
શહેર પોલીસતંત્ર પણ આરોપીઓને ઝડપી લેવા માટે સક્રિય બનેલું છે અને શહેરમાં ઠેરઠેર વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહયું છે પરંતુ શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકી રહી છે. શહેરના સરખેજ વિસ્તારમાં ગઈકાલે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ વિસ્તારમાં આવેલા અંબર ટાવરની પાસે રેહાન રેસીડેન્સીમાં રહેતા મહંમદ ફારુક વોરા નામના વહેપારીના ઘરમાં ગઈકાલે સાંજના ૬ થી ૧૦.૩૦ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતાં. મકાનના પહેલા માળે બેડરૂમની બારીના લોખંડના સ્ક્રુ ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મુકેલા રોકડા રૂ.૧૦ હજાર, સોનાના દાગીના કિંમત રૂ.૧.૬પ લાખ અને ચાંદીના દાગીના રૂ.૩ હજાર મળી કુલ રૂ.૧.૭૮ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં.
મહંમદ ફારુકભાઈ એ બેડરૂમમાં કબાટ ખુલ્લો જાતા તથા તમામ સામાન વેરવિખેર પડેલો જાતા જ તાત્કાલિક પરિવારના સભ્યોને જાણ કરી હતી અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સરખેજ પોલીસ પણ દોડી આવી હતી અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.