સરદારનગર પોલીસ સ્ટેશનમાંથી ખૂંખાર આરોપી ફરાર
આરોપીને લોકઅપમાં રાખવાના બદલે પીએસઆઈની કેબીનમાં બેસાડયોઃ પોલીસ સ્ટેશનમાંથી ખુલ્લેઆમ એક શખ્સ આરોપીને ભગાડી જતો સીસીટીવી કેમેરામાં કેદ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની વધતી જતી ઘટનાઓ વચ્ચે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે બે દિવસ પહેલા પોલીસના હાથમાંથી નકલી પીએસઆઈ ફરાર થઈ જવાની ઘટના સોલા વિસ્તારમાં બની હતી. જેના પગલે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને આરોપી પકડી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે ત્યારે શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ભાગી જવાની ઘટનાથી સમગ્ર પોલીસતંત્રમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે ખાસ કરીને દારૂ જુગારની બદીને ડામવા પોલીસતંત્ર એલર્ટ બનેલું છે આ ગુનાખોરીમાં સંડોવાયેલ શખ્સો સામે પાસા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના સરદારનગર વિસ્તારમાં જી વોર્ડ કુબેરનગર ખાતે શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતો કુખ્યાત આરોપી અમિત ચાવલા નામનો ૩ર વર્ષનો યુવક અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
તેની સામે પાસાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અનેક ગુનાઓમાં સંડોવાયેલો અમીત ચાવલા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુકત થવાનો છે તેથી તેની સામે અટકાયતી પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેના ઘરે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સરદારનગર સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ કોન્સ્ટેબલ તથા તેના સ્ટાફને આરોપીના ઘરે તપાસઅર્થે ખાનગી રાહે મોકલવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન અમિત ચાવલા મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક ઝડપી લઈ કામગીરી કરાઈ હતી જાકે ત્યારબાદ તે જામીન પર મુકત થયો હતો.
જામીન પર છુટયા બાદ અમિત ચાવલાએ પોતાની ગુનાહિત પ્રવૃતિ ચાલુ રાખી હતી જેથી તેની સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દરમિયાનમાં તા.ર૦મીના રોજ આરોપી વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યાં બાદ તેને કોર્ટમાં રજુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી આરોપીને પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ સબ ઈન્સ્પેકટરની ચેમ્બરમાં મુકવામાં આવ્યો હતો અને ચેમ્બરનો દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
આરોપીને કોર્ટમાં લઈ જવાની તજવીજ શરૂ કરતા આરોપી પીઆઈની કેબીનમાંથી ભાગી છુટયો હોવાનું જાણવા મળ્યુ હતું જેના પગલે પોલીસ સ્ટેશનમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો આ અંગે પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ ચેક કરવામાં આવતા એક અજાણ્યો શખ્સ ગ્રાઉન્ડ ફલોર પરથી વોશ રૂમ તરફ આવી સેકન્ડ પીઆઈની કેબીન તરફ આવતો જાવા મળ્યો હતો.
તેણે ચેમ્બરનો દરવાજા ખોલી આરોપીને ભગાડી ગયો હોવાનું જાવા મળ્યું હતું અને ત્યારબાદ સરદારનગર પોલીસ સ્ટેશનના ગેટની બહાર અેક્એટિવા પર બંને શખ્સો ફરાર થઈ જતા જાવા મળ્યા હતાં. આ તમામ દ્રશ્યો પોલીસે એકત્ર કરી લીધેલા છે ભગાડી જનાર શખ્સનું નામ પણ બહાર આવ્યું છે અને તે અમિત ચાવલાના ભાઈનો સાળો હોવાનું જાણવા મળી રહયું છે અને તેનું નામ જયેશ છે.
આરોપી અમિત ચાવલા પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક બન્યા હતા આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર હતી પરંતુ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખવાની બદલે પોલીસ સબ ઈન્સપેકટરની ચેમ્બરમાં રાખવાની ભુલ થઈ ગઈ હતી આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આરોપી અમિતના ભાઈનો સાળો ખુલ્લેઆમ પોલીસ સ્ટેશનમાંથી તેને ભગાડી ગયો તે મોટી બેદરકારી માનવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સીસીટીવી કુટેજના આધારે તપાસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં આરોપીને લોકઅપમાં રાખવાના બદલે પોલીસ સબ ઈન્સ્પેકટરની કેબીનમાં રાખવામાં આવતા જ ચોંકી ઉઠેલા અધિકારીઓએ આ અંગે તપાસનો આદેશ આપ્યો છે.
બીજીબાજુ ભાગી છુટેલા આરોપીને તથા તેને ભગાડવામાં મદદ કરનાર શખ્સની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને રાતભર તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સરદારનગર પોલીસે આ અંગે ભાગી છુટેલા આરોપી અમિત ચાવલા વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.