સરદાર પટેલની પ્રતિમાની પૂર્વ રાજ્યપાલ પી.બી.આચાર્યએ લીધેલી મુલાકાત
રાજપીપલા, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, મણીપુર, અને અરૂણાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ શ્રી પી.બી.આચાર્યએ તેમના ધર્મ પત્નિ શ્રીમતી કવિતા આચાર્ય સાથે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી.
ત્યારબાદ શ્રી આચાર્યએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.તેમણે પ્રોજેક્શન મેપીંગ લેસર-શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો.
પ્રોટોકોલના નાયબ કલેક્ટરશ્રી બી.એસ.અસારીએ શ્રી પી.બી.આચાર્યને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રોટોકોલના નાયબ કલેકટરશ્રી બી.એસ.અસારી, પ્રોટોકોલ મામલતદાર શ્રી ભાટીઆ તેમજ શ્રી બાબુભાઈ પણ જોડાયા હતા.