Western Times News

Gujarati News

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન: યોગા, કરાટે, ફિઝિયોથેરાપી ટ્રેનીંગ અપાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત -પાંચ માળના નવનિર્મિત બિલ્ડિંગમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વધુ વર્ગો શરૂ કરાશે, ૭૦૦ જેટલા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે

રાજકોટ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને શિક્ષણ અને આરોગ્યલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વર્ષ ૨૦૧૩થી રાજકોટ શહેરમાં આવેલા

શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો, યોગા ક્લાસ, કરાટે અને જુડોની ટ્રેનિંગ, ફિઝિયોથેરાપી સેન્ટર સહિતના શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના નવા અદ્યતન બિલ્ડિંગનું આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના પ્રમુખશ્રી હર્ષદભાઈ માલાણી અને ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વ સમાજના વધુ ને વધુ વિદ્યાર્થીઓને તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ શહેરમાં ન્યુ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન પાસે જ આશરે ૬૦૧ વાર જગ્યામાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટનું આ અદ્યતન બિલ્ડિંગ બનાવવાનો ર્નિણય લેવાયો છે.

આ નવનિર્મિત બિલ્ડિંગ એક સેલર ઉપરાંત પાંચ માળનું હશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વધુ વર્ગો બનાવવામાં આવશે. જેનાથી હાલ શ્રી સરદાર પટેલ ભવનમાં જેટલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે તે ઉપરાંત ૭૦૦ જેટલા વધું વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ નવનિર્મિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજ રોજ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ને ગુરુવારના રોજ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના નવા બિલ્ડિંગનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ લઈને સરકારી નોકરી મેળવનાર ૬ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના હસ્તે આ નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાવવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓએ હાજરી આપી હતી. આ નવનિર્મિત બિલ્ડિંગ આશરે એક વર્ષમાં કાર્યરત થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.