સરદાર પટેલ ની જન્મભુમિ નડિયાદ અને પોરબંદર-છાયાને મહાનગરપાલિકાનો દરજ્જો
(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.
૨૮ ફેબ્રુઆરી – ૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં માન.નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમી એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જીલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી હતી.
નાણામંત્રી એ જાહેરાત કરતી વખતે નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની માંગણીને ધ્યાને લઇ નડિયાદને મહાનગર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. વધુમાં નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તથા ખેડા જીલ્લા ભાજપ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી.આર. પાટીલ ને પણ રજૂઆત કરવામાં આવી હતી
અને તેઓશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરાતા નડિયાદને મહાનગર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે પંકજભાઈ દેસાઈએ પણ ગૃહમાં નડિયાદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવા બદલ રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ અને માન.નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે નડિયાદ એ સાક્ષર ભૂમિ છે જય અનેક સાક્ષરો અને સાહિત્યકારોએ જન્મ લીધો છે. નડિયાદ એ આઝાદી સમયે ક્રાંતિ અને આંદોલનોની ભૂમિ રહી છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત નડિયાદના તમામ નાગરિકોને સરકારની ભેટ સમાન લાગણી સમજી લોકો દ્વારા આ જાહેરાતને વધાવી લેવામાં આવી છે.