સરદાર પટેલ રિંગ રોડનાં ૧૮ જંક્શન પર ટ્રાફિક સિગ્નલ-સીસીટીવી કેમેરા લગાવાશે
ટ્રાફિકથી ધમધમતા રિંગરોડ માટે મ્યુનિ.કોર્પાેરેશનનો નવ કરોડનો પ્રોજેક્ટ
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ શહેરમાં સતત વધતા જતા ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ફ્લાયઓવરબ્રિજ, અંડરપાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાય છે. તાજેતરમાં આશ્રમ રોડ પર કરોડોના ખર્ચે ઈન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરી આશ્રમરોડને ટ્રાફિક જામની દિશામાં હળવી કરવાનો પ્રયાસ કરાયો છે.
તંત્ર દ્વારા સર્કલ કે જંક્શન પર ટ્રાફિક સિગ્નલ પણ લગાવાઈ રહ્યા છે. અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા ધરાવતાં ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે. હવે સત્તાવાળાઓએ સરદાર પટેલ રિંગરોડ પર વાહનોની અવર-જવર બેફામ બનતા સમગ્ર રિંગરોડ પર ૧૮ ટ્રાફિક સિગ્નલ લગાવવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે લાખોના ખર્ચે ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ ગોઠવાઈ રહી છે. આ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમને વધુ મજબૂત કરવા અતિ આધુનિક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા જે તે સર્કલ કે જંક્શન પર લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરાઈ રહી છે. જે તે વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલાઈ રહ્યાં છે. અમુક જંક્શન કે સર્કલ પર મ્યુનિ.સત્તાધીશો જે તે ટ્રાફિક સિગ્નલની મૂવમેન્ટને સુધારીને વાહનચાલકોને ખોટી રીતે દંડાતા પણ રોકવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ રિંગરોડ પર પણ પિકઅવર્સ દરમ્યાન ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.
જાકે રિંગરોડ પર જ્યાં સર્કલ કે જંક્શન પર હજુ સુધી એક પણ ટ્રાફિક સિગ્નલ ગોઠવાયાં નથી. જેને કારણે હવે મ્યુનિ.સત્તાધીશો આમલી સર્કલ, સહિતનાં ૧૮ સર્કલ કે જંક્શન પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની કવાયત હાથ ધરી છે. તંત્ર દ્વારા તમામ ટ્રાફિક સિગ્નલના પાંચ વર્ષના મેન્ટેનન્સ સાથે રૂ.૯ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પાેરેશનના સ્માર્ટ સિટી મિશન હેઠળ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લગાવાશે. ભવિષ્યમાં આ સિવાયનાં સ્થળોએ પણ ટ્રાફિક સિગ્નલ લગાવાશે.