Western Times News

Gujarati News

સરદાર પ્રતિમાને જોડતો ઝઘડીયા તાલુકાનો ૪૦ કીમી ફોરલેન હાઈવે અડીખમ રહ્યો નથી

ભયંકર ખાડાઓ પડી જતા વાહનચાલકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે-અત્યંત ખરાબ રસ્તાના કારણે બાઈક ચાલકો પડી જવાના અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા અને સરદાર પ્રતિમાને જોડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે અડીખમ રહ્યો નથી.જયાર થી ઝઘડિયા તાલુકાના આશરે ૪૦‌ કી.મી હાઈવેના આ ફેઝ નુ કામ ચાલતું હતું ત્યાર થી વિવાદાસ્પદ કામ રહ્યું છે.હાલમાં આ રોડ પર ઠેર ઠેર એટલા ખાડાઓ પડી ગયા છે કે નાના વાહનો તો ચાલી શકે એમ નથી અને મોટા વાહનો બ્રેક ડાઉન થઈ રહયા છે જેથી આંતરરાજ્ય ચાલતા વાહનો તેમજ સ્થાનિક વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યા છે.

તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર થી વાયા ઝઘડીયા,ઉમલ્લા સુધીના આશરે ૪૦ કીમી ના ફોરલેન રોડની પરિસ્થિતિ અત્યંત વિકટ બની રહી છે.જેથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન રોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ! હાલમાં કોરોના વાયરસનાં સંક્રમણ ના‌કારણે સરદાર પ્રતિમા પરિસર બંધ છે નહીં તો હજારો પ્રવાસીઓ પણ ‌ સ્થાનિકોની માફક ખરાબ હાઈવેની હાડમારીનો ભોગ બનતે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર થી ઝઘડિયાના ઉમલ્લા સુધીના આશરે ૪૦ કીમી ફોરલેન રોડની પરિસ્થિતિ ખુબ જ વિકરાળ બની જવા પામી છે.

આ ફોરલેન રોડ પર એટલી હદે ઉંડા ખાડાઓ તથા રોડ ખોદાય જવા પામ્યો છે કે એક કિલોમીટરનું અંતર કાપતા ૨૦ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે, એમ નથી કે હાલમાં વરસાદના કારણે રોડની પરિસ્થિતિ આવી બની છે.પરંતુ ચોમાસા પૂર્વે પણ આ રોડ તેની નબળી કામગીરીના કારણે વારંવાર ખોદાઈ જવા પામ્યો છે.જે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની તથા તેની દેખરેખ રાખનાર વહીવટી વિભાગની બેદરકારી સાબિત કરે છે.આ રોડ પરથી અવારનવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા તથા માજી રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર આવનજાવન કરતા હોય છે.

તેમ છતાં પ્રજાના પ્રહરી એવા નેતાઓ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની પરિસ્થિતિ બાબતે મગનું નામ મરી પાડતા નથી તેમ લાગી રહ્યું છે ! ઝઘડીયા તાલુકાની જનતા આ બાબતે ત્રાહિમામ પોકારી રહી છે.ભરૂચ જિલ્લા પંચાયતના તથા ઝઘડીયા તાલુકા પંચાયતના શાસકો તથા વિપક્ષો પણ ચૂપકીદી સેવી બેઠા છે.ફોરલેન હાઈવેની ખરાબ પરિસ્થિતિના કારણે કોઈ તાલુકાવાસીઓની વહારે આવતું નથી જે લોકશાહીની શરમજનક બાબત કહી શકાય.ઝઘડિયા તાલુકાના તથા અંકલેશ્વર તાલુકાના રોડની ખરાબ પરિસ્થિતિના કારણે ઝઘડીયા જીઆઈડીમાં આવતા આંતરરાજ્ય વાહનો,નર્મદા જીલ્લાના અને સ્થાનિક વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ભયંકર ખાડાઓ પડી જતા વાહનચાલકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે.અત્યંત ખરાબ રસ્તાના કારણે બાઈક ચાલકો પડી જવાના અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે.

સત્વરે સરદાર પ્રતિમાને જોડતા ઝઘડીયા તાલુકા માંથી પસાર થતા ફોરલેન હાઈવેની મરામતની કામગીરી હાથ ધરાય તેમ જનતા તેમજ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપવાસની ચીમકી.  ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા અને સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની પરિસ્થિતિ અત્યંત બદતર બની જતા લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.ત્યારે ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રિતેશ વસાવા તથા ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં સરદાર પ્રતિમા ને જોડતા અને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ફોરલેન હાઈવેની મરામતની કામગીરી જવાબદાર વહીવટી તંત્ર દ્વારા  હાથ ધરવામાં નહીં આવે તો ઝઘડિયા સેવા સદન ખાતે તાલુકા પંચાયત ઝઘડિયાના પ્રમુખ-ઉપપ્રમુખ ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.
દયનીય પરિસ્થિતિ : સરદાર પ્રતિમા ને જોડતા અને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ફોરેન હાઈવે ની પરિસ્થિતિ એટલી દયનીય બની ગઇ છે કે વાહન ચાલકોએ વાહન ક્યાં ચલાવવું તે સમજાતું નથી તસવીરમાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ફોરલેન હાઈવે ની અલગ અલગ સ્થળોની તસવીરો ઘણું બધું કહી જાય છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.