સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભુમિમાં દક્ષિણ ગુજરાતના દશ હજારથી વધુ લાભાર્થીઓને રૂા.૧૪૦ કરોડની સહાયના વિવિધ લાભોનું વિતરણ
સુરત: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતના નિર્માણમાં પણ લીડ લેવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓને હળપતિ આવાસ યોજનાના મંજૂરી પ્રમાણપત્રો, આવાસની ચાવી, રસ્તા અને વીજળીના કામોના મંજૂરીપત્રો તથા આજિવીકા યોજના અન્વયે સાધન-સહાય અને ગંગાસ્વરૂપા પેન્શનના લાભાર્થી બહેનોને પેન્શન મંજૂરીપત્રો એમ ૬ પાયાની સુવિધાના લાભ વિતરણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ‘‘સબ સમાજકો લિયે સાથમે આગે હૈ બઢતે જાના’’ના સેવામંત્ર સાથે ગુજરાતની વર્તમાન સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધાર પર ગુજરાતના સર્વાંગી, સાતત્યપૂર્ણ વિકાસમાં સૌ સહભાગી બને, દરેકને સરકારની યોજનાઓના સુપેરે લાભ મળે તેવા સમાજહિત ભાવથી કર્તવ્યરત છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકના ધ્યેયને સાકાર કરીને ભારતના રાજ્યોમાં વિકાસ રોલ મોડેલનું સ્થાન મેળવ્યું છે. હવે, અન્ય દેશો-દુનિયાના રાષ્ટ્રો સાથે બરોબરી કરવા આપણે કટિબદ્ધ છીયે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર પ્રો એકટીવ-પ્રો પીપલ અભિગમથી રોજ એક નવા જનહિતકારી નિર્ણય સાથે વ્યથાને વ્યવસ્થામાં પલ્ટી રહી છે તેની ભૂમિકા આપી હતી.શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે તેથી આ સરકાર સંવેદના સાથે ત્વરિત નિર્ણય લેનારી રૂજુહ્વદયી સરકાર બની અનેક લોકહિત નિર્ણયો લઇ રહી છે.
હળપતિ સમાજના સમુચિત વિકાસ માટે બધી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ માટે ઘરનું ઘર હોય, બધાને સહાયતા મળે તે હેતુથી સરકાર વિવિધ યોજનાઓ લઇને આવી છે. માળખાકીય સવલતો સાથે આવાસની અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે. ૨૦૨૨ સુધીમાં સૌને ઘર મળે એ દિશા નિશ્વિત કરી છે. ગંગા સ્વરૂપા સહાયતા યોજના અંતર્ગત વિધવા માતા-બહેન જીવીત હોય ત્યાં સુધી પેન્શન મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય નોધારાનો આધાર બને તે માટે રાજય સરકાર કટિબદ્વ છે. આ યોજનામાં સંતાન પુખ્તવયનું થાય ત્યાં સુધી જ પેન્શન મળતું તે બાધ દૂર કરી આજિવન પેન્શન અપાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બે દાયકામાં સર્વાંગી વિકાસના કામો આદિવાસી ક્ષેત્રમાં થયા છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. સાગરખેડૂઓને પોતાના વ્યવસાયમાં ઉન્નતિ લાવે, ખેડૂતો માટે યોજના જગતનો તાત પોતે સુખી અને બીજાને સુખી કરે, હર હાથકો કામ હર ખેત કો પાની, કોઇ બેરોજગાર ન હોય એવી વ્યવસ્થાનો વિચાર સરકારે કર્યો છે. મહિલાઓ સ્વાવલંબી એની ચિંતા સરકારે કરી છે તેમ તેમણે કહ્યું હતું.
આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કેન્દ્ર-રાજય સરકારે અનેકવિધ વિકાસના કાર્યોની સિદ્વિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વનબંધુઓને ૧૩ લાખ એકર કરતાં વધુ જમીન વન અધિકાર હેઠળ આપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં સિંચાઇ માટે ત્રણ વર્ષમાં પાંચ હજાર કરોડના કામો કાર્યરત છે. સરદાર વલ્લભભાઇ પટેલની ભુમિ પર આદિવાસી સમાજ માટે વિકાસના ઘ્વાર ખોલ્યા છે. હળપતિ સમાજના સમુચિત વિકાસ માટે આજે કરોડો રૂપિયાની સહાય અપાય છે. રાજય સરકારે સમસ્ત જનસમાજના વિકાસ માટે કાર્યો કરે છે.
કેન્દ્ર-રાજય સરકારની યોજનાકીય વિગતો આપતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉજ્જલા યોજના હેઠળ આઠ કરોડ ગેસ કનેકશન, પ્રધાનમંત્રી આવાસ યોજના પાંચ લાખ મકાનો, ગરીબોના આરોગ્ય માટે આયુષ્માન ભારત જેવી યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૨૬ હજાર કરોડના સાધન-સહાય આપવમાં આવી છે. એક કરોડ થી વધુ લોકોએ સેવાસેતુ કાર્યક્રમના ભાગીદાર બન્યા છે.
સામાજિક અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકારે સમાજના અદના એવા હળપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્વ છે. સમોચિત વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. લાભાર્થીઓને લાભ મેળવીને વિકાસના નવા સોપાન સર કરશે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી જીવન સક્ષમ બનાવે તેવી શુભકામના મંત્રીશ્રીએ પાઠવી હતી.આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગર્વ થી કહી શકીએ એવું સરાહનીય કાર્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની સરકારે કર્યું છે. સમગ્ર સમાજનો સમતળ વિકાસ એજ સરકારનો ધ્યેય છે.
માંડવીના સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ પ્રસંગોચિત્ત ઉદ્બોધન કર્યું હતું. મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાએ સૌન આવકાર્યા હતા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણીલાલ પટેલ, વલસાડના સાંસદ ર્ડા.કે.સી.પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સર્વ શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વી.ડી.ઝાલાવાડીયા, શ્રી પિયુષભાઇ દેસાઇ, શ્રી નરેશભાઇ પટેલ, ર્ડા.કનુભાઇ દેસાઇ, શ્રી ભરતભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ, અગ્રણી શ્રી ભરતસિંહ પરમાર, સુરત કલેકટર શ્રી ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયા, ઉકા-તરસાડીયા યુનિવર્સિટીના કેમ્પસના ટ્રસ્ટ્રીઓ, હળપતિ સમાજના આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.