Western Times News

Gujarati News

સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા રેલવે મંત્રી

રાજપીપલા :– કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી પિયુષ ગોયેલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. આ મુલાકાત-પ્રવાસમાં કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી સીમા ગોયેલ પણ મંત્રીશ્રીની સાથે જોડાયા હતા.

ત્યારબાદ મંત્રીશ્રી અને તેમની સાથેના મહાનુભાવોએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજની આ મુલાકાત લઇને મને લાગે છે સરદાર સરોવર ડેમ થકી ગુજરાતનો વિકાસ  થયો છે. તેની સાથોસાથ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના કરાયેલા નિર્માણ થકી ગુજરાત અને દેશની નવી ઓળખ વિશ્વમાં પણ બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અહીં પ્રવાસીઓ-મુલાકાતીઓની સંખ્યા  વધતી જઇ રહી છે. આવનારા દિવસોમાં મને લાગે છે કે, એક દિવસમાં ૧ લાખ જેટલાં મુલાકાતીઓ આવવાની સંભાવના છે. અહીં પ્રવાસીઓને પૂરતી સુવિધાઓ પણ મળી રહે છે, જેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. કેવડીયામાં નિર્માણ પામી રહેલા રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ થયેથી કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીના લોકો પણ અહીં આવી શકશે.

ત્યારબાદ કેન્દ્રિય રેલ્વે મંત્રીશ્રી પિયુષ ગોયેલ અને ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કેવડીયામાં નિર્માણ પમી રેહેલાં  એશિયાના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી સુચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું .

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે રેલવે બોર્ડના ચેરમેનશ્રી વિનોદ યાદવ, જિલ્લા કલેક્ટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદારશ્રી મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી અને નાયબ વહિવટદાર શ્રી નિલેશ દુબે, રેલ્વે વિભાગના જનરલ મેનેજરશ્રી આલોક કશાલ, શ્રી દેવેન્દ્ર કુમાર, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત વગેરે પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.