સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા માં પુનઃ પૂર નું સંકટ
૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના: કાંઠા વિસ્તારના લોકો ને સાવચેત રહેવા વહીવટી તંત્રની અપીલ |
(પ્રતિનિધિ) ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે પુનઃ નર્મદા નદી ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવનાથી વહીવટી તંત્ર સજ્જ થઈ ગયુ છે.
આ ચોમાસા માં ત્રીજી વાર પુનઃ નર્મદા નદી ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.જે પાછળ નર્મદા ડેમ ના ઉપરવાસ માંથી થઈ રહેલી પાણી ની આવક ના કારણે ડેમ ની સપાટી માં થઈ રહેલા સતત વધારા થી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જેથી ભરૂચ ના ગોલ્ડન બ્રીજ ખાતે પુનઃ નર્મદા નદી ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા છે.નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના ના પગલે ભરૂચ નાયબ જીલ્લા કલેકટર જે.બી.અસારી એ નદી ના કાંઠા ના ગામો ને સાવચેત રહેવા અપીલ કરવા સાથે વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું.
આ ચોમાસા માં નર્મદા ડેમ માંથી છોડાયેલા વિપુલ જળરાશિના કારણે મૃતઃપ્રાય બનેલ નર્મદા નદી જીવંત થઈ ઉઠવા સાથે ત્રીજી વખત ભયજનક સપાટી વટાવી બંને કાંઠે વહેતી થતા નર્મદા મૈયા નું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. *