Western Times News

Gujarati News

સરદાર સાહેબની પ્રતિમાની ભાવવંદના કરતા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી રંજન ગોગોઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેશર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી રંજન ગોગોઇ

રાજપીપલા, રવિવાર :- સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી રંજન ગોગોઇએ તેમના ધર્મ પત્નિ શ્રીમતી રૂપાંજલી ગોગોઇ સાથે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી.

આ મુલાકાત-પ્રવાસમાં ગરૂડેશ્વરના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી જે.જે.દવે પણ શ્રી ગોગોઇ સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન પ્રોટોકોલના નાયબ કલેકટરશ્રી અસારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી મકવાણા, કેવડીયાના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસ.જે.મોદી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.       

ત્યારબાદ શ્રી રંજન ગોગોઇએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે નિહાળી હતી.

આ પ્રસંગે શ્રી રંજન ગોગોઇએ વિઝીટર્સ બુકમાં દર્શાવેલા તેમના પ્રતિભાવમાં નોધ્યું હતું કે, મારા જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે મને પ્રેરણા મળે છે કે, હું નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશ સેવા કરૂં. સરદાર પટેલે જે કાર્ય કર્યું તેનાથી ભારતને મહાન બનાવ્યું. એકતાના પ્રતિક સાચા અર્થમાં છે. હું આશ્વથ છું કે, દરેક યાત્રી આ મહાન જગ્યાની મૂલાકાત બાદ આ જ વિચારશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને અહિંયા જે ઇતિહાસ  બતાવ્યો છે તે સાચા અર્થમાં ગુજરાત રાજયની મોટી ઉપલબ્ધિ છે. હું ગુજરાત રાજયને શુભેચ્છા સાથે અભિનંદન આપું છું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદાર શ્રી નિલેશ દુબેએ શ્રી રંજન ગોગોઇને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમની મૂલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજજરે ડેમના બાંધકામ સહિત ડેમને લગતી તમામ પ્રકારની ટેકનિકલ જાણકારીથી શ્રી ગોગોઇને વાકેફ કર્યા હતાં. તેવીજ રીતે એકતા નર્સરીની મૂલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી પ્રતિક પંડયાએ પણ સાથે રહીને જરૂરી વિગતોથી તેમને માહિતગાર કર્યા હતાં. એકતા નર્સરી ખાતે બામ્બુ ક્રાફટ, એરેકા લીફ યુટેન્સીલ્સ, બોરસલી, જલકૃષિ, ટ્રાયબલ હટ વગેરે સેન્ટરની પણ મૂલાકાત લીધી હતી. આ દરમિયાન શ્રી ગોગોઇએ ઓર્ગેનિક પોર્ટ તેમજ સોપારીના પાનમાંથી ઉત્પાદન કરાતી થાળી વાટકીનું નિદર્શન પણ નિહાળી તેઓશ્રી પ્રભાવિત થયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.