સરધારમાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
મંદિરનું નિર્માણ સંસ્કૃતિના આયુષ્યબળમાં વધારો કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય બાદ વ્યાસપૂજન: ગામેગામથી સંતો પહોંચ્યા
રાજકોટ, ‘જય સ્વામિનારાયણ’ ગગનભેદી નાદ સાથે સરધારમાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્યતાભર્યા વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ગામોગામથી આવેલા સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય સાથે મહોત્સવનો પ્રારંભ થયો છે.
ત્યારબાદ કલાકારો દ્વારા સ્વાગત નૃત્ય પુસ્તક કરવામાં આવેલ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્યો અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ડો.ભરત બોઘરા, ગોવિંદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ વ્યાસ પૂજન કર્યું હતું તથા વ્યાસપીઠ પર બિરાજમાન સરધાર સ્વામિનારાયણ મંદિરના પ્રેરક અને માર્ગદર્શક શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે દરબારગઢમાં ચાતુર્માસ ગાળ્યું છે અને શ્રીજી મહારાજે ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે સરધારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે જેનું આજે સાકાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાય સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને સદાચારના પાઠો સુપેરે પ્રસરાવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયે નિર્વ્યસની માટેનું અભિયાન ચલાવી રહ્યા છે જે અદ્ભૂત છે. ગઈકાલે અબુધાબીના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જવાની તક મળી હતી.મંદિરનું નિર્માણ સંસ્કૃતિનું આયુષ્ય વધારી આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુળ, છાત્રાલય, વ્યક્તિ નિર્માણ માટેના અદ્ભૂત કાર્યો કર્યા છે.
તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી, કુદરતી આફતોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને હંમેશા સાથ મળ્યો છે. સંપ્રદાયને સમાજલક્ષી કાર્યો માટે સરકાર પાસે આવવાનું થશે ત્યારે તેઓને ધકકો નહીં થાય તેમ મુખ્યમંત્રીએ જણાવેલ હતું. મુખ્યમંત્રી અને સી.આર. પાટીલે હેલિકોપ્ટર દ્વારા સ્વામિનારાયણ મંદિર સંકુલનું નિરીક્ષણ કરેલ હતું જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સી.આર. પાટીલ અન્યત્ર કાર્યક્રમ હોવાથી સરધારથી રવાના થયા હતા. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરધાર સ્વામિનારાયણ મંદિર મહોત્સવમાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવચનનો પ્રારંભ કુન્નુરમાં સીડીએસ જનરલ બીપીન રાવત સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલી સાથે કર્યો હતો અને રાષ્ટ્રને ભારે ખોટ પડયાનું જણાવેલ હતું. ત્યારબાદ સીડીએસ જનરલ બીપીન રાવત સહિતના 13 શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા બે મીનીટનું મૌન પાળવામાં આવેલ હતું.
આ પ્રસંગે નૌતમસ્વામી, વડતાલના દેવસ્વામી, રાજકોટ ગુરૂકુલના દેવસ્વામી, છારોડી ગુરૂકુળના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, જેતપુરના નિલકંઠસ્વામી, હરિવલ્લભસ્વામી, ભકિતસ્વરૂપદાસજી સ્વામી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ડો. ભરતભાઇ બોઘરા, રાજુ ધ્રુવ, ચેતન રામાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોએ વ્યાસપૂજન કરેલ હતું તથા ઠાકોરજીને કુમ કુમ અક્ષત પૂજન કર્યુ હતું. આ પ્રસંગે કલાકારોએ સ્વાગત નૃત્ય રજુ કરીને મહેમાનોને આવકાર્યા હતા. મુખ્યમંત્રી તથા સી.આર.પાટીલ ઉદઘાટન બાદ અન્યત્ર યોજાયેલા કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા.