સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ટેસ્ટિંગ થયું

નવી દિલ્હી, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ઇઝરાયેલના સહકારથી સરફેસ ટુ એર મિસાઇલ બનાવીને એનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ સાથે ભારતીય ડિફેન્સ સિસ્ટમ વધુ પાવરફૂલ બની હતી.
શત્રુના હવાઇ હુમલાને ખાળવા માટેની આ સિસ્ટમ DRDOએ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI)ના સહકારથી બનાવી હતી અને એનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ મિસાઇલ સિસ્ટમ પચાસથી સિત્તેર કિલોમીટર દૂર રહેલા શત્રુના વિમાનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. MRSAMના ટૂંકા નામે ઓળખાનારા આ મિસાઇલનો ઉપયોગ ભારતીય લશ્કરની ત્રણે શાખા ભૂમિદળ, નૌકાસેના અને હવાઇ દળ કરશે.
MRSAMમાં હાઇ ટેક રાડાર સિસ્ટમ, મોબાઇલ લોન્ચર, ઇન્ટરસેપ્ટર, એડવાન્સ આરએપ સીકર વગેરે લેટેસ્ટ ટેક્નોલીજીની સહાયથી તૈયાર કરાયા હતા. આ ડિફેન્સ સિસ્ટમની કમાન્ડ અને કન્ટ્રોલ પ્રણાલી પણ અગાઉનાં મિસાઇલ્સ કરતાં બહેતર છે.
ઇઝરાયેલી સંસ્થા IAIએ કહ્યું હતું કે ભારતની DRDO સંસ્થા સાથે કામ કરવાની તક મળી એને અમે ગૌરવદાયી ગણીએ છીએ. DRDOના વિજ્ઞાનીઓ અને ટેક્નિશિયનો ખૂબ પ્રતિભાશાળી છે એ તેમની સાથે કામ કરતી વખતે અમે જોઇ શક્યા હતા. આવી પ્રતિભાઓ હોય તો કોઇ પણ દેશનું ભાવિ ઉજ્જવળ હોઇ શકે છે.
આજના સમયના પડકારો અને જોખમોને ધ્યાનમાં રાખીને આ મિસાઇલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી એમ સંરક્ષણ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું.