સરસપુરમાં ગરબા મહોત્સવમાં તોફાની ટોળાનો આંતક
નજીવી તકરારમાં ધસી આવેલા ટોળાએ ખેલૈયાઓ ઉપર હુમલો અને વાહનોમાં તોડફોડ કરી : બે વૃધ્ધાને ગંભીર ઈજા |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેર સહિત રાજયભરમાં નવલા નોરતાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે નોરતાના અંતિમ દિવસે ગઈકાલે રાત્રે મોડી રાત સુધી શેરીઓમાં ગરબા યોજાયા હતા. પોલીસતંત્રના સઘન બંદોબસ્ત વચ્ચે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
આ દરમિયાનમાં શહેરના સરસપુર વિસ્તારમાં પઠાણની ચાલી પાસે મોડી રાત્રે ચાલુ ગરબામાં ગીતો વગાડવાની બાબતમાં તકરાર થતાં સસ્ત્ર ટોળાએ આંતક મચાવી વાહનોમાં તોડફોડ કરી ગરબે ઘુમતા લોકો પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. હુમલાની આ ઘટનામાં બે વૃધ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે નવલા નોરતાના અંતિમ દિવસે શેરીઓમાં મોડીરાત સુધી ગરબા યોજાયા હતાં અંતિમ દિવસ હોવાથી ઠેરઠેર ગરબા મોડીરાત સુધી ચાલતા હતાં. શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન હેઠળના સરસપુર વિસ્તારમાં પઠાણની ચાલી નજીક આવેલા અંબાજી માતાના મંદિર નજીકના મેદાનમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
આ વખતે પણ ગરબા મહોત્સવ યોજાયો હતો. ગઈકાલે રાત્રે અંતિમ દિવસે મોડી રાત સુધી સ્થાનિક નાગરિકો ગરબે ઘુમતા જાવા મળ્યા હતા આ દરમિયાનમાં મોડી રાત્રે ચારથી પાંચ શખ્સો ગરબા મહોત્સવના સ્થળે આવ્યા હતા અને ગીતો વગાડવાની નજીવી બાબતમાં તકરાર કરવા લાગ્યા હતાં. ગણતરીની મિનીટોમાં જ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું
આ દરમિયાનમાં તકરાર કરી રહેલા શખ્સોના સાગરિતો આવી પહોંચતા ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી ગરબે ઘુમતા તથા આયોજકો કશુ સમજે તે પહેલાં જ ટોળાએ હુમલો કર્યો હતો જેના પરિણામે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાનમાં ટોળુ વધુ હિંસક બન્યુ હતું અને ગરબે ઘુમતા ખેલૈયાઓ ઉપર હુમલો કરવા લાગ્યુ હતું
જેના પરિણામે ભારે હોહામચી ગઈ હતી અને લોકો ગભરાઈ ગયા હતાં. હાથમાં ખુલ્લી તલવારો, લાકડીઓ અને પાઈપો સાથે ટોળાએ ગરબાના સ્થળ પર તથા આસપાસ પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી આંતક મચાવ્યો હતો.
તોફાની ટોળાએ હુમલો કરતા ૭૦ વર્ષીય બે વૃધ્ધાઓને પણ ઈજાઓ પહોચી હતી કેટલાક શખ્સોએ આ બે વૃધ્ધાઓને પણ માર માર્યો હતો જેના પરિણામે ઈજાઓ પહોંચતા બંને વૃધ્ધાઓને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાના પગલે ભારે બુમાબુમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં લોકોનું મોટુ ટોળુ એકત્ર થઈ જતાં તોફાની ટોળુ નાસી છુટયુ હતું.
બીજીબાજુ આ અંગે ફફડી ઉઠેલા નાગરિકોએ પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો છે જાકે પોલીસની કાર્યવાહી સામે પણ નાગરિકોએ સવાલો ઉઠાવ્યા છે. પોલીસ ફરિયાદ લેવાની ના પાડતા હોવાનો આક્ષેપ પણ થઈ રહયો છે.