સરસપુરમાં જ્વેલર્સનો કર્મચારી લુંટાયો
મોડી રાત્રે અનીલ સ્ટાર્ચ જવાના રસ્તા પર લુંટારુઓ ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલો થેલો જ્વેલર્સના શો રૂમમાં કામ કરતા કર્મચારી પાસેથી લુંટી લુંટારુઓ ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે સશસ્ત્ર લુંટારુઓએ જવેલર્સના શો રૂમમાં ગોળીબાર કરી સોનાના દાગીના તથા રોકડ રકમની લુંટ કરી ફરાર થઈ જવાની ઘટનામાં હજુ પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં જ શહેરના સરસપુર વિસ્તારમાં પણ લુંટારુઓ ત્રાટક્યા હતા અને જવેલર્સના શો રૂમમાં કામ કરતા કર્મચારીને આંતરીને તેની પાસેથી થેલામાં રહેલા સોનાના દાગીના તથા રોકડ રકમની લુંટ કરી ફરાર થઈ જતા શહેરભરનું પોલીસતંત્ર ચોંકી ઉઠયું હતું.
આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોચી ગયો હતો. ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ કરવા માટે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી રાતભર તપાસ કરવામાં આવી હતી. એક જ રાતમાં આસપાસના બે વિસ્તારોમાં સોના-ચાંદીના ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને લુંટી લેવાની ઘટનાના પગલે પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં ગઈકાલે લુંટની બે ઘટનાઓ ઘટી હતી. શહેરના કષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોકમાં પરિમલ બંગ્લોઝમાં રહેતા અંકુરભાઈ સોમાભાઈ શાહ માણેકચોકમાં ઘાંચીની પોળ ખાતે આવેલા ઉત્તમ આર્ટ નામના જવેલર્સના શો રૂમમાં નોકરી કરે છે નિત્યક્રમ મુજબ તેઓ જવેલર્સનો શો રૂમ ગઈકાલે રાત્રે ૮.૩૦ વાગે બંધ કરીને એક્ટિવા પર પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતાં. રાત્રિના સમયે અંકુરભાઈ એક્ટિવા ઉપર માણેકચોકથી નીકળ્યા બાદ કાલુપુર થઈ અમદુપુરાથી વોરાના રોઝા થઈ કષ્ણનગર જવા માટે પસાર થઈ રહયા હતાં.
જવેલર્સનો શો રૂમ બંધ કરી અંકુરભાઈ શાહ એક્ટિવા પર પસાર થઈ રહયા હતા ત્યારે રાત્રે જ ૧૦.૧પ વાગ્યાની આસપાસ તેઓ અનીલ સ્ટાર્ચ રોડ પર પીકર્સની ચાલી પાસે પહોંચ્યા હતા ત્યારે અચાનક જ ધુમ સ્ટાઈલમાં બાઈક પર બે શખ્સો તેમની આગળ આવ્યા હતા અને તેમનું એક્ટિવા આતર્યું હતું અંકુરભાઈ કશું સમજે તે પહેલાં જ આ બંને શખ્સોએ અંકુરભાઈએ ખભે ભરાવેલ થેલો આ બંને લુંટારુઓએ લુંટી લીધો હતો.
અંકુરભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લુંટારુઓ ધાકધમકી આપતા તેઓ ડરી ગયા હતાં. અંકુરભાઈ પાસેથી થેલો લુંટી લીધા બાદ ગણતરીની સેંકડોમાં બંને શખ્સો બાઈક પર બાપુનગર તરફ જવાના રસ્તા પર ભાગી છુટયા હતાં. ગણતરીની મિનિટોમાં જ બનેલી આ ઘટનાથી અંકુરભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ દરમિયાનમાં તેમણે પોલીસ કંટ્રોલરૂમને પણ જાણ કરી હતી. ઓઢવ બાદ સરસપુરમાં પણ જવેલર્સને લુંટી લેવાની ઘટનાથી કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને તેમણે તાત્કાલિક શહેર કોટડા પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોચી ગયો હતો તથા ડીસીપી સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. આ દરમિયાનમાં અંકુરભાઈએ જવેલર્સના શો રૂમના માલિક હર્ષભાઈ શાહને પણ ફોન કરતા તેઓ પણ દોડી આવ્યા હતાં. પોલીસ અધિકારીઓએ અંકુરભાઈની પુછપરછ કરતા તેમણે સમગ્ર હકીકત જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે થેલામાં સોનાની વીટીઓ, સોનાનો દોરો તથા રોકડા રૂ.૪૦ હજાર મુકેલા હતાં આ તમામ વસ્તુઓ ભરેલો થેલો બંને લુંટારુઓ લુંટીને પલાયન થઈ ગયા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધીકારીઓએ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં વાહન ચેકિંગ શરૂ કરાવ્યું હતું. ઓઢવ અને સરસપુર વિસ્તારમાં બનેલી લુંટની બે ઘટનાથી શહેર પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બંને ઘટનાઓમાં જવેલર્સોને જ ટાર્ગેટ કરવામાં આવેલા છે. અંકુરભાઈએ જણાવ્યું હતું કે તેમની પાસેથી થેલો લુંટી લીધા બાદ પલ્સર મોટર સાયકલ પર આવેલા બંને શખ્સો બાપુનગર તરફ જવાના રસ્તા પર ભાગી છુટયા હતાં. બાઈક પર આવેલા બે શખ્સોએ પૈકી એક શખ્સે લાલ કલરનું જેકેટ પહેરેલું હતું અને તે બાઈકની પાછળ બેઠેલો હતો.
અંકુરભાઈએ આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અનીલ સ્ટાર્ચ જવાના આ રસ્તા પર વોરાના રોજાથી આગળ મોડી રાત સુધી લોકોની ભારે ચહલપહલ જાવા મળતી હોય છે પરંતુ સમગ્ર રસ્તા પર અંધારપટ જેવો માહોલ હોય છે જેનો લાભ લુંટારુઓએ ઉઠાવ્યો હોવાનું પોલીસ માની રહી છે. ઘટના સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા છે કે નહી તેની તપાસ સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને સવારથી જ આરોપીઓને ઝડપી લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.