સરસપુરમાં સગીરાનું અપહરણ અને બળાત્કાર
દાદાને લઈ જવાના બહાને ઘરમાં બોલાવી આરોપીએ સગીરાને ગોંધી રાખી : ગણતરીની મીનીટોમાં જ ભાગી છુટેલા આરોપીને પોલીસે ઝડપી લીધો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્ત્રી સંબંધિત ગુનાઓ વધી રહયા છે ખાસ કરીને દહેજ તથા ઘરેલુ હિંસાની ઘટનાઓ વચ્ચે ગઈકાલે સરસપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક સગીરાનું સ્થાનિક યુવકે અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી તેના પર વારંવાર બળાત્કાર ગુજારતા સનસનાટી મચી ગઈ છે. આરોપી યુવકની માતા રાત્રે ઘરે આવતા જ આરોપી ફરાર થઈ ગયો હતો અને આરોપીની માતા જ આ કિશોરીને ઘરે મુકવા ગઈ હતી ત્યારે સમગ્ર બાબત પ્રકાશમાં આવતા જ ભારે હોબાળો મચી ગયો હતો આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી યુવતિઓની છેડતી તથા સોશિયલ મીડિયા પર તેને બદનામ કરવા માટે બિભત્સ ફોટા મુકી બદનામ કરવાની ફરિયાદો વધવા લાગી છે ખાસ કરીને સગીરાઓને પરેશાન કરતા રોમિયો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવે છે.
આ દરમિયાનમાં શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશન હેઠળના સરસપુર વિસ્તારમાં પોટલીયા ચાર રસ્તા પાસે આવેલી એક ચાલીમાં એક આધેડ મહિલા રહે છે અને આ મહિલાને બે પુત્રો હતા જેમાં પુત્ર સંજય હાલ તેની સાથે રહે છે જયારે બીજા પુત્ર અરવિંદ મૃત્યુ પામેલો છે જેની બે પુત્રીઓ સગીર વયની પણ આ મહિલા સાથે જ રહે છે.
પરિવારનું ભરણપોષણ કરવા આ મહિલા જમાલપુરથી શાક લાવી ઈસનપુર શાકભાજીનો વેપાર કરતી હતી જેના પરિણામે તે વહેલી સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ રોજ ઘરેથી નીકળી જમાલપુર પહોચી જતી હતી અને ત્યાંથી શાકભાજી ખરીદી સીધી જ ઈસનપુર જતી હતી.
ગઈકાલે સવારે પણ તે નિત્યક્રમ મુજબ સવારે શાક ખરીદવા માટે જમાલપુર ગઈ હતી અને ઈસનપુર તેનુ વેચાણ કરી બપોરે બે વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી હતી ઘરમાં અરવિંદની એક સગીર પુત્રી જાવા મળી ન હતી
જેના પરિણામે તે ચિંતીત બની ગઈ હતી અને બીજી પુત્રીને પુછતા તેણે જણાવ્યું હતું કે સવારના ૧૧ વાગ્યાની તે ઘરની બહાર નીકળી હતી અને ત્યાંથી તે પરત ફરી નથી જેના પગલે તાત્કાલિક આ મહિલા તથા તેના પરિવારજનો તેની શોધખોળ કરવા લાગ્યા હતાં. રાત્રિના ૮.૩૦ વાગ્યાની આસપાસ તેની શોધખોળ કરતા પરિવારજનો પર બીજી પુત્રીએ ફોન કરીને જણાવ્યું હતું કે લાપત્તા બનેલી સગીરા ઘરે પરત ફરી છે પરિણામે પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો
પરંતુ ઘરે આવી તેની પુછપરછ કરતા આ સગીરાએ ચોંકાવનારી હકીકત જણાવી હતી તેણે જણાવ્યું હતું કે બાજુની ચાલીમાં રહેતો આરોપી યુવક સવારે તેને ચાલીમાં મળ્યો હતો અને તેણે કહયુ હતું કે તારા દાદા મારા ઘરે છે તેને લઈ જા તેવુ કહી તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેને ઘરમાં ગોંધી રાખી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો રાત્રે આરોપી યુવકની માતા ઘરે આવી પહોંચતા માતાને જાઈ આરોપી યુવક ફરાર થઈ ગયો હતો
બીજીબાજુ આરોપીની માતાએ આ સગીરાની પુછપરછ કરતા તે પણ ચોંકી ઉઠી હતી અને તેને તેના ઘર નજીક મુકવા ગઈ હતી આ સમગ્ર હકીકત સગીરાએ જણાવતા તાત્કાલિક સગીરાના દાદીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ ગણતરીની મીનીટોમાં જ આરોપી યુવકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.