Western Times News

Gujarati News

સરસપુર રખિયાલમાં ર૦૧પમાં હારેલા ઉમેદવારો વચ્ચે જંગ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેકશન વોર્ડ નંબર ર૭ સરસપુર રખિયાલમાં કોઈ એક પાર્ટીનો દબદબો રહયો નથી. સરસપુર વોર્ડમાં ર૦૧પમાં કોંગ્રેસના ફાળે ત્રણ અને ભાજપને એક બેઠક મળી હતી ર૦ર૧માં કોંગ્રેસે ત્રણ સીટીંગ કોર્પોરેટરોની ટીકીટ કાપી છે.

તથા ર૦૧પમાં ચૂંટણી હારેલા મંગળભાઈ સુરજકરને રીપીટ કર્યા છે તેવી જ રીતે ભાજપાએ પણ સીટીંગ કોર્પોરેટર કીરીટભાઈ પરમારની બાદબાકી કરી છે તથા ર૦૧પમાં ચૂંટણી હારેલા ભાસ્કર ભટ્ટને ફરીથી તક આપી છે. સરસપુરમાં બંને પાર્ટીઓ દ્વારા નવી પેનલ જ મુકવામાં આવી છે.

ર૦ર૧ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જાેવા મળી રહી છે. બાપુનગરની માફક સરસપુર વોર્ડના ઉમેદવારોની પસંદગીમાં કોંગી ધારાસભ્યની “મરજી” ચાલી છે

જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં નારાજગી જાેવા મળે છે. સીનીયર કોર્પોરેટર તૌફીકખાન પઠાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી લડવા અનિચ્છા જાહેર કરી હતી જેનો પાર્ટીએ સ્વીકાર કર્યો છે તેમના સ્થાને તેમના પુત્ર ઝુલ્ફીખાન પઠાણને ગોમતીપુર વોર્ડમાંથી મેન્ડેટ આપવામાં આવ્યો છે.

શાંતાબેન પંચાલ ત્રણ ટર્મ કોર્પોરેટર પદે રહયા છે જયારે ભાજપના ભાસ્કરભાઈ ભટ્ટ ર૦૦પ અને ર૦૧૦માં ચૂંટણી જીત્યા હતા ર૦૧પમાં તેઓ હારી ગયા હતા.

ભાજપ દ્વારા દિનેશ કુસ્વાહને ટિકીટ આપવામાં આવી છે તેઓ ર૦૧પમાં ૩પ૦ જેટલા મતથી હારી ગયા હતા. હિન્દી ભાષી સમાજ પર તેમનું વર્ચસ્વ છે જેનો લાભ ભાજપને મળી શકે છે. કોંગ્રેસના મહીલા ઉમેદવાર રજનીબેન મહેશ્વરીના પતિ યુવક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, જયારે ફાલ્ગુનીબેન ચાવડા વોર્ડ મહીલા પ્રમુખ છે.

કોઈ પાર્ટીનો દબદબો નહિ મેયર માલિની અતીત સરસપુરમાંથી જીત્યા હતા:

સરસપુર- રખિયાલ વોર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોઈ એક પાર્ટીનો દબદબો રહયો નથી ૧૯૯પની ચૂંટણીમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો. નોધનીય છે કે ૧૯૯પમાં એલીસબ્રીજના રહીશ માલિનીબેન અતીત સરસપુરમાંથી ચૂંટણી લડયા હતા તથા તેઓ શહેર મેયર પદે પણ રહયા હતા.

ર૦૦૦ની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલના મંગળભાઈ સુરજકર, શાંતાબેન પંચાલ તથા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ જંગ જીત્યા હતા. રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ૧૯૯પમાં બાપુનગરથી ચૂંટણી લડયા હતા જયારે ર૦૦૦માં સરસપુરમાં લડીને જીત્યા હતા. ર૦૦પની ચૂંટણીમાં ભાજપના ફાળે બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના શાંતાબેન પંચાલ સતત બીજી વખત જીત્યા હતા જયારે ભાજપના ભાસ્કર ભટ્ટ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ર૦૧૦માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

ર૦૧૦માં કોંગ્રેસના સૂરજભાઈ મંગળકર નરોડા રોડ વોર્ડમાંથી દિનેશ શર્મા સાથે લડયા હતા તથા જીત મેળવી હતી તેઓ કોંગ્રેસ પક્ષ વતી સ્ટેન્ડીંગ કમીટીના સભ્યપદે રહયા હતા. ર૦૧પમાં ફરી એક વખત મિશ્ર પરીણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક બેઠક મળી હતી.

ર૦૧પમાં કોંગ્રેસના મંગળભાઈ સુરજકર તેમજ ભાજપના ભાસ્કર ભટ્ટ ચૂંટણી હાર્યા હતા તેવી જ રીતે દિનેશ કુસ્વાહ પણ ર૦૧પમાં હાર્યા હતા. ર૦ર૧માં આ ત્રણેય ઉમેદવારો વધુ એક વખત આમને સામને લડી રહયા છે.

સમસ્યા | સરસપુર- રખિયાલ વોર્ડની મુખ્ય સમસ્યા પીવાલાયક શુધ્ધ પાણીની છે. આ વિસ્તારની પોળોમાં પાણી એને ડ્રેનેજ લાઈનોના જાેડાણ થઈ જવાના કારણે દુષિત પાણી સપ્લાય થતા હોવાની વારંવાર ફરીયાદ થાય છે. જેના કારણે આ વોર્ડમાં કમળા અને પાણીજન્ય રોગચાળો વધુ જાેવા મળે છે.

સાંકડી પોળોમાં કોમર્શીયલ વાહનોની અવરજવર થવાના પરીણામે ટ્રાફિક ભારણ વધી રહયુ છે. વરસાદી પાણી નિકાલની સમસ્યા પણ લગભગ કાયમી બની ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ આ વોર્ડમાં છે. તેમ છતાં પ્રાથમિક સુવિધા કેન્દ્રની માંગણી નાગરીકો કરી રહયા છે. મ્યુનિ. સંચાલિત લાયબ્રેરી ૪૦ વર્ષ જુની છે.

જેના રીનોવેશન માટે કે સુધારા માટે કોઈ નકકર આયોજન હજી સુધી થયુ નથી તેવી જ રીતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લીઝ પર આપવામાં આવેલી જગ્યા પર ખાનગી ટ્રસ્ટો સંચાલિત દવાખાના ચાલી રહયા છે જેમાં પણ સમયાંતરે સધુારા કરવાની જરૂર હોવાનું નાગરીકો જણાવી રહયા છે.

આંકડાકીય સમીકરણ: મ્યુનિસિપલ ઈલેકશન વોર્ડ નંબર ર૭ સરસપુર વોર્ડમાં ૧,૧૦,૧પ૦ મતદારો છે જેમાં પ૭૮૦૧ પુરુષ અને પર૩૪૪ સ્ત્રી મતદારો છે. જયારે ૦પ અન્ય મતદાર છે. ર૦૧પની ચૂંટણીમાં કોંગ્રેસના શાંતાબેન પંચાલને ૧૭૦૪૯, ગીતાબેન ઠાકોરને ૧૭૦૪૯ તથા તૌફિકખાન પઠાણને ૧૬૯૭૯ મત મળ્યા હતા.

જયારે ભાજપના કીરીટભાઈ પરમારને ૧૭૦ર૦ મત મળ્યા હતા. ર૦૧પમાં ૯૩૦ર૯ મતદારો પૈકી કુલ ૪પ૦૪૬ મતદારોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના તૌફિક પઠાણ ભાજપના દિનેશ કુસ્વાહ સામે ૩પ૦ મતની નજીવી સરસાઈથી ચૂંટણી જીત્યા હતા. ર૦૧પમાં થયેલા નવા સીમાંકન બાદ સરસપુર વોર્ડમાં રખિયાલ વોર્ડના ૬પ ટકા ભાગને મર્જ કરવામાં આવ્યો હતો.

જેના કારણે સરસપુરમાં કોંગ્રેસ મજબુત બની હોવાનું માનવામાં આવે છે. જુના રખિયાલ વોર્ડના બાકી રપ ટકા ભાગને ગોમતીપુર તથા ૧૦ ટકા હિસ્સાને બાપુનગરમાં મર્જ કરવામાં આવ્યો છે. સરસપુર વોર્ડમાં ર૪ હજાર દલિત સમાજના મતદારો છે જયારે ૧૮ હજાર લઘુમતી સમાજ તથા ર૦ હજાર હિન્દીભાષી મતદારો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.