સરહદે ફોરવર્ડ પોઝિશન પર ચીન રોજ સૈનિકો બદલે છે
નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારત અને ચીન બંનેના હજારો સૈનિકો હાડકા થીજવી દે તેવી ઠંડી છતા તૈનાત છે. જોકે એવું લાગી રહ્યું છે કે ઠંડીમાં ચીની સૈનિકોની હિંમત તૂટી રહી છે. ફૉરવર્ડ પોઝિશન પર તેના સૈનિકો દરરોજ બદલવામાં આવી રહ્યા છે, જ્યારે ભારત તરફથી એજ લોકેશન્સ પર સૈનિકો ઘણા લાંબા સમયથી ટકી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ‘એલએસીની ફૉરવર્ડ પોસ્ટ પર તૈનાત આપણા જવાન ચીની સૈનિકોની સરખામણીએ લાંબા સમયથી તૈનાત રહ્યા છે.
ઠંડી અને આવા તાપમાનમાં ક્યારેય ના રહ્યા હોવાના કારણે ચીનીઓએ પોતાના જવાનો રોજ રોટેટ કરવા પડી રહ્યા છે.’ હવામાનનો સામનો કરવામાં ભારતીય સૈનિકો સ્પષ્ટ રીતે ચીનીઓથી આગળ છે, કેમકે મોટી સંખ્યામાં આપણા જવાનો લદ્દાખ અને સિયાચિનમાં પહેલા જ ડ્યૂટી કરી ચુક્યા છે. સિયાચિન તો દુનિયાનું સૌથી ઊંચુ ક્ષેત્ર છે જ્યાં સૈનિકો તૈનાત રહે છે. ઉલ્લેખનીય છે કે દગાખોર ચીને આ વર્ષે એપ્રિલ-મેમાં એલએસી પર આક્રમકતા દર્શાવતા લગભગ ૬૦ હજાર જવાનોને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરી દીધા હતા.
ટેન્ક-ભારે હથિયારોથી સજ્જ આ સૈનિકો ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ કર્યું અને ત્યાં પોઝિશન્સ લઈ લીધી. જવાબમાં ભારતે પણ લગભગ એટલા જ સૈનિકો ગોઠવી દીધા જેથી આગળ ચીનીઓની આવી કોઈ પણ હરકતને રોકી શકાય. આ દરમિયાન તણાવ ઓછો કરવા અને ગતિરોધ ખત્મ કરવા માટે બંને પક્ષોની વચ્ચે વાતચીતનો ક્રમ ચાલી રહ્યો છે. બંને દેશોની વચ્ચે અત્યાર સુધી કોર કમાન્ડર લેવલની ૭ રાઉન્ડની સૈન્ય વાતચીત થઈ ચુકી છે. ૧૫ જૂનના પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી, જેમાં ચીની સૈનિકોની સાથે-સાથે આપણા ૨૦ જવાનો શહીદ થયા હતા. પૈંગોંગ સરોવરના દક્ષિણ કિનારા પર તેના સૈનિકોના પાછળ હટ્યા પહેલા ચીની સૈનિક ફિંગર એરિયામાં પાછા જાય છે.