સરહદ પર તનાવ ઓછો થશે, ભારત અને ચીનની સેના ત્રણ તબક્કામાં પીછેહઠ કરશે
લેહ, ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર તનાવ વચ્ચે સતત ચાલી રહેલી વાટાઘાટોનુ કંઈક સારુ પરિણામ જોવા મળ્યુ છે.
સૂત્રોનુ માનવુ છે કે, બંને દેશોની સેનાઓએ યથા સ્થિતિ જાળવી રાખવા માટે ત્રણ તબક્કામાં પાછળ હટવા માટે સંમતિ દર્શાવી છે.તે પછી બંને દેશની સેના એપ્રિલ- મેમાં જે સ્થિતિ હતી ત્યાં પાછી જતી રહેશે.સૂત્રોનુ કહેવુ છે કે, મે 2021 સુધીમાં યથાસ્થિતિ બહાલ થશે અને ચીન સીમા પરથી પોતાની 400 જેટલી ટેન્કો પણ પાછી ખસેડશે.
6 નવેમ્બરે બંને દેસો વચ્ચે આઠમી બેઠક યોજાઈ હતી.જેમાં ત્રણ તબક્કામાં સેના પાછી હટાવવા પર ચર્ચા થઈ હતી.આ યોજનાના અમલના ભાગરુપે પેંગોગ લેકની આસપાસથી સેના હટાવવાનુ કામ પહેલા શરુ થશે.
પહેલા તબક્કામાં બંને દેશો ટેન્ક, તોપો અને હથિયારોથી સજ્જ વાહનોને એલએસીથી ખાસા દુર પાછા લઈ જશે.આ કામગીરી એક દિવસમાં પૂરી કરાશે.
બીજા તબક્કામાં પેંગોગ લેકના ઉત્તરી કિનારા પર પણ બંને દેશની સેના પોતાની પહેલાની પોઝિશન પર પાછી ફરશે.આ કામગીરી ત્રણ દિવસ ચાલશે અને બંને દેશો રોજ 30 ટકા સૈનિકોને પાછા હટાવશે.જેમાં ભારતીય સેના ધાનસિંહ થાપા પોસ્ટ સુધી પાછી જશે અને ચીની સેના ફિંગર આઠથી પાછળની પોઝિશન પર પાછી ફરશે.
આ યોજનાના ત્રીજા તબક્કામાં બંને દેશની સેના ચુશુલ અને રેઝાંગ લા વિસ્તાર સહિત પેંગોંગ લેકના દક્ષિણિ કિનારા વિસ્તારમાંથી પણ પોતાની પહેલાની પોઝિશન પર જતી રહેશે.આ વિસ્તારમાં ભારતીય સેનાએ ઉંચાઈ વાળા વિસ્તારો પર કબ્જો કરેલો છે.