સર્વસ્વનું દાન જ ભગવાનને ઈષ્ટ લાગે છે
એક સમયે ગૌતમબુદ્ધ અને તેમના શિષ્યો શ્રાવસ્તી નગરીની ભાગોળે આરામ કરતા હતા. રાત પડી ત્યારે તેમનો એક શિષ્ય ગામમાં ગયો અને તેણે ઘોષણા કરી.‘હે શ્રાવસ્તી નગરીના લોકો ! ભગવાન બુદ્ધે તેમના પવિત્રચરણથી તમારું ગામ પાવન કર્યું છે. તે મહાત્માની પવિત્રતા અને મહત્તાને અનુરૂપ ભેટસોગાદો તમે આપો.’
લોકો બારીઓ પર ઘસી આવ્યા અને રસ્તાઓમાં વસ્ત્ર, વાસણ, સોનું,રૂપું, મોતી અને રત્નોનો વરસાદ વરસાવ્યો. પણ ભગવાન બુદ્ધના શિષ્યે કહ્યુંઃ ‘ના, ના, આ ભેટોથી મારા ગુરુ પ્રસન્ન નહિ થાય.’ છેવટે પોતાના શરીરે વીંટાળેલું એકનું એક વ† એક ભિખારણે આપ્યું. શિષ્ય બોલી ઉઠયો, ‘અહો ! કેવી અમૂલ્ય ભેટ ! આ ભેટથી ભગવાન બુદ્ધ જરૂર પ્રસન્ન થશે.’
આમ તો આ બુદ્ધકથા છે. પણ દરેક ધર્મના લોકો આમાંથી નવો સાર પામી શકે તેમ છે.સર્વસ્વનું દાન જ ભગવાનને ઈષ્ટ લાગે છે.
ભગવાનને ખુશ કરવા નિષ્કામ કર્મ કરો. જે કંઈ કરો, જે કંઈ પામો તે ભગવાનને અર્પણ કરવાનો ભાવ જા મનુષ્યો ધારણ કરે તો પરમાનંદ મેળવી શકે. સોનું, રૂપું, વસ્ત્રો, વાસણો વગેરેની કિંમત કંઈ જ ન હતી. સાચી ભેટ તો સર્વસ્વનું દાન જ કહી શકાય. વધારે હોય અને થોડાનું દાન કરી અભિમાન કરો, તેના કરતાં દાન ન કરવું કદાચ ઉત્તમ મનાય. જે વસ્તુઓનું દાન કરો તેનું અભિમાન ન રાખો. ભાવથી અર્પણ કરો તે જ સાચું દાન !