સર્વોચ્ચ ન્યાયાલયમાં 58,669 દાવાઓ અનિર્ણિત, ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત
કાયદા અને ન્યાય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
નવી દિલ્હી, જૂન 1, 2019 ની સ્થિતિએ કુલ 58,669 દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં અનિર્ણિત છે, જ્યારે દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે. આ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓ પૈકી 8.35 લાખ દાવાઓ 10 વર્ષ કરતાં વધુ સમયથી અનિર્ણિત છે, જ્યારે 8.44 લાખ દાવાઓ 5 થી 10 વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંચાર અને ઇલેકટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ(NJDG)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓમાં 18.75 લાખ દીવાની દાવાઓ છે, જ્યારે 12.15 લાખ ફોજદારી દાવાઓ છે અને 12.65 લાખ અદાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે. ઉપલબ્ધ માહિતી મુજબ 26.76 લાખ દાવાઓ ઉચ્ચ ન્યાયાલયોમાં પાંચ વર્ષથી ઓછા સમયથી અનિર્ણિત છે, 8.44 લાખ દાવાઓ પાંચ વર્ષથી વધુ સમય અને 10 વર્ષ કરતા ઓછા સમયથી અનિર્ણિત છે, જ્યારે 8.35 લાખ દાવાઓ 10 વર્ષ કરતા વધુ સમયથી અનિર્ણિત છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીના જવાબ મુજબ, પાંચ વર્ષથી વધુ સમય માટેના કેસોનો નિકાલ કરવા માટે હાઈકોર્ટોમાં એરિયર્સ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. હાઈકોર્ટો અને જિલ્લા અદાલતોમાં કેસોના ભારણને ઘટાડવા માટે પગલાં તૈયાર કરવા સુપ્રીમ કોર્ટમાં એરિયર્સ કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં, 581 ફાસ્ટ ટ્રેક કોર્ટો સમગ્ર દેશમાં કાર્યરત છે અને સાંસદો/ધારાસભ્યોની સંડોવણી ધરાવતા ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે 11 રાજ્યોમાં 12 વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.
શ્રી પરિમલ નથવાણી જાણવા માંગતા હતા કે દીવાની અને ફોજદારી બંન્ને મળીને કુલ કેટલા દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલય તેમજ દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત છે, તેમજ આ દાવાઓમાં કેટલા પાંચ વર્ષથી ઓછા સમય, પાંચ વર્ષથી વધુ પરંતુ દસ વર્ષથી ઓછા, તેમજ દસ વર્ષથી વધુ સમયથી અદાલતોમાં અનિર્ણિત છે; તેમજ સરકારશ્રી દ્વારા દાવાઓના ઝડપી નિકાલ માટે કયાં પગલાંઓ લેવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્થાપિત નેશનલ મિશન ફૉર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રીફોર્મ્સએ ન્યાયિક વહીવટમાં બાકી અને અનિર્ણિત કેસોના તબક્કાવાર નિકાલ માટે સમન્વયિત અભિગમ અપનાવ્યો છે, જેમાં વિવિધ વ્યૂહાત્કમ પહેલોનો સમાવેશ થાય છે, જેમ કે અદાલતોની માળખાકીય સુવિધાઓમાં વધારો, બેહતર ન્યાય વિતરણ માટે માહિતી અને સંચાર તકનીક (ICT) નો લાભ મેળવવો, તેમજ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં જજોની ખાલી જગ્યાઓ ભરવી.
મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો પ્રારંભ 1993-94માં કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત રૂ. 6,986.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી સન્ 2014 પછી રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 3.542.20 કરોડ ફાળવવામાં આવ્યા છે.
છેલ્લાં 5 વર્ષમાં કોર્ટ હોલની સંખ્યા 15,818થી વધીને 19,101 થઇ છે અને નિવાસી એકમોની સંખ્યા 10,211થી વધીને 16,777 થઇ છે. આ ઉપરાંત 2,879 કોર્ટ હોલ અને 1,886 નિવાસી એકમો બાંધકામ હેઠળ છે. કેન્દ્ર સરકારે 01.04.2017થી 31.03.2020 સુધી 12મી પંચવર્ષીય યોજનાના સમયગાળા પછી અંદાજિત રૂ. 3,320 કરોડના વધારાના ખર્ચ સાથે યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
મંત્રીશ્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદન અનુસાર, વધુ સારી રીતે ન્યાય કરી શકાય તે માટે માહિતી અને સંચાર ટેકનિક (આઇસીટી)નો ઉપયોગ કરીને સરકાર દેશભરમાં ઈ-કોર્ટ્સ(e-Courts) મિશન મોડ પ્રોજેક્ટના અમલીકરણ થકી જિલ્લા અને પેટા અદાલતોમાં માહિતી અને સંચાર ટેકનિકનું અમલીકરણ કરી રહી છે. કમ્પ્યુટરાઇઝ્ડ જિલ્લા અને પેટા અદાલતોની સંખ્યા 13,672થી વધીને 16,845 થઈ ગઈ છે, જે 2014થી આજ દિન સુધીમાં 3,173નો વધારો દર્શાવે છે.
ઈ-કોર્ટ્સ(e-Courts) સેવાઓ જેમ કે, કેસ રજિસ્ટ્રેશનની માહિતી, કારણ સૂચિ, કેસની સ્થિતિ, દૈનિક આદેશો અને અંતિમ ચુકાદાઓ ઈ-કોર્ટ્સ(e-Courts) વેબ પોર્ટલ મારફતે અરજદારો અને વકીલો માટે ઉપલબ્ધ છે, તમામ કમ્પ્યુટરાઇઝ્ડ કોર્ટમાં ન્યાયિક સેવા કેન્દ્રો (જેએસસી), ઈ-કોર્ટ્સ(e-Courts) મોબાઇલ એપ્લિકેશન, ઇ-મેઇલ સેવા, SMS મોકલવા અને મેળવવા માટેની સેવાઓ ઉપલબ્ધ છે, એમ નિવેદનમાં જણાવ્યું હતું. વકીલો અને અરજદારોને સંબંધિત સૂચિ અને કેસ સંબંધિત અન્ય માહિતી સંબંધિત ન્યાયિક માહિતી પ્રચાર કરવા માટે તમામ કમ્પ્યુટરાઇઝ્ડ કોર્ટ કોમ્પ્લેક્સ પર માહિતી કિઓસ્ક્સની રચના કરવામાં આવી છે. ઈ-કોર્ટ્સ(e-Courts) પ્રોજેક્ટ સતત દેશના ટોચના 5 મિશન મોડ પ્રોજેક્ટ્સમાં રહ્યો છે, એમ નિવેદનમાં જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને જિલ્લા તથા પેટા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવાના હેતુથી છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 31 ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી, હાઇકોર્ટમાં 454 નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી અને 366 વધારાના ન્યાયમૂર્તિઓને કાયમી કરાયા હતા, એમ મંત્રીશ્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં હાઇકોર્ટના ન્યાયાધીશોની મંજૂર કરાયેલી સંખ્યા 906થી વધારીને 1079 અને જિલ્લા અને પેટા અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની સંખ્યા 19,518થી વધારીને 21,340 અને કાર્યકારી ક્ષમતા 15,115થી વધારીને 17,757 કરવામાં આવી છે.