Western Times News

Gujarati News

સલમાને ૪ લેયર સિક્યુરિટી કવર સાથે ફિલ્મનું શૂટિંગ કર્યું

સલામતીની ચિંતા

હૈદરાબાદમાં આખી હોટલને કિલ્લામાં ફેરવી દેવાઈ, સલમાનના સ્ટાફની મંજૂરી વગર કોઈને પ્રવેશ નહીં

મુંબઈ,બિશ્નોઈ સમાજ માટે સન્માનીય ગણાતા કાળિયારના શિકાર મામલે સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. શરૂઆતમાં દબંગ સ્ટારે આ ધમકીઓને ગંભીરતાથી લીધી ન હતી. જો કે મુંબઈમાં અગ્રણી નેતા અને સલમાન સાથે નિકટતા ધરાવતા બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાન અને તેના ચાહકોની ચિંતા વધી છે. સલમાન ખાન હાલ હૈદરાબાદમાં આગામી ફિલ્મ સિકંદરનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર હોટલની ચુસ્ત કિલ્લેબંધી કરવામાં આવી છે અને સલમાન ખાન ૪ લેયર સિક્યુરિટી કવરમાં શૂટિંગ કરી રહ્યા છે.

હૈદરાબાદની ફલકનુમા પેલેસ હોટલમાં ‘સિકંદર’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ હોટલના મોટાભાગના હિસ્સામાં ફિલ્મના સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ નથી. ‘સિકંદર’ માટે હૈદરાબાદ શહેરમાં બે સેટ ઊભા કરાયા છે, જ્યારે મુખ્ય સેટ હોટલમાં છે. હોટલના એક હિસ્સામાં જ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ પ્રોડક્શન ટીમે સમગ્ર હોટલને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. હોટલમાં આવતાં કોઈ પણ ગેસ્ટને બે લેવલ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડે છે. હોટલના સ્ટાફ અને સલમાનની સિક્યુરિટી દ્વારા દરેક ગેસ્ટની ચકાસણી થાય છે અને ત્યારબાદ જ પ્રવેશ અપાય છે. આ ઉપરાંત અગાઉથી મંજૂરી લીધેલી હોય તેવા લોકોને જ પ્રવેશ અપાય છે.

તે પૂર્વે ઓળખપત્રો અને વ્યક્તિનું બેકગ્રાઉન્ડ પણ તપાસી લેવાય છે. સ્ટાફનું પણ નિયમિત ચેકિંગ થાય છે અને કામની અદલા-બદલી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હોટલમાં પ્રવેશ માટેના બે લેયર બાદ બે સિક્યુરિટી એજન્સી દ્વારા ચકાસણી થાય છે. સલમાને આ વખતે સિક્યુરિટી માટે ખાસ એજન્સી પસંદ કરી છે, જેમાં પૂર્વ એનએસજી કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ છે. સલમાનના ૪ લેયર સિક્યુરિટી કવરમાં પૂર્વ પેરામિલિટ્રી કમાન્ડો પણ છે. સલમાનના વિશ્વાસુ બોડીગાર્ડ શેરાએ પસંદ કરેલા લોકોની અલગ ટીમ છે અને તેના માટે હૈદરાબાદ તથા મુંબઈ પોલીસ પાસેથી મંજૂરી પણ લેવામાં આવી છે. સલમાન ખાનની ચારે તરફ ૫૦થી ૭૦ જેટલા જવાનો સિક્યુરિટી માટે ફરતા રહે છે.

રશ્મિકા મંદાના સાથે ‘સિકંદર’ના શૂટિંગ પછી સલમાન ખાન દુબઈમાં દ-બંગ ટૂર માટે જવાના છે. ગુરુવારે રાત્રે બિશ્નોઈ ગેંગ દ્વારા વધુ એક વખત કથિત ધમકી અપાઈ હોવાના કારણે સલમાનની આ ટૂરમાં પણ સલામતી બાબતે ચિંતા વધી છે. બિશ્નોઈ ગેંગનો કથિત મેસેજ મોડી રાત્રે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ મેસેજમાં લોરેન્સ અને સલમાનને સાંકળતું ગીત તૈયાર કરનારા ગીતકારને પણ ધમકી અપાઈ હતી. સલમાનને પાછલા ચારેક મહિનામાં પાંચમી ધમકી મળી છે. અગાઉ પાંચમી નવેમ્બરે મુંબઈ પોલીસને ધમકી અપાઈ હતી, જેમાં સલમાન ખાન માફી માગે અને રૂ.પાંચ કરોડ આપે તો જ જીવિત રહેશે, તેમ જણાવાયુ હતું. સલમાનને ધમકી આપવા અને તેના ઘરની બહાર હથિયારો સાથે ફરવા બાબતે પોલીસે આરોપીઓને પકડી લીધા છે. જો કે મુંબઈમાં બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાન કોઈ જોખમ લેવા તૈયાર નથી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.