સલમાન કાળિયાર-હરણ કેસમાં આઠ મહિનામાં છઠ્ઠીવાર કોર્ટમાં હાજર ના રહ્યો
મુંબઇ, કાળિયાર-હરણ કેસમાં સલમાન ખાન પહેલી ડિસેમ્બરના રોજ ફરી એકવાર કોર્ટમાં હાજર થયો નહીં. કોરોનાનો ઉલ્લેખ કરીને સલમાને જિલ્લા અદાલતમાં અરજી કરી હતી. હવે આગામી સુનાવણી 16 જાન્યુઆરીના રોજ થશે. કોરોનાકાળમાં સલમાનને આઠ મહિનામાં છઠ્ઠીવાર આ રીતની છૂટ આપવામાં આવી છે. આ કેસમાં સલમાને અત્યારસુધીમાં 15 વાર કોર્ટમાં હાજર ના થવાની છૂટ લીધી છે.
સલમાને કાળિયાર-હરણ કેસ સાથે જોડાયેલા બે તથા આર્મ્સ એક્ટ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટમાં હાજર થવાનું હતું. પાંચ એપ્રિલ, 2018ના રોજ ટ્રાયલ કોર્ટે સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાને ચુકાદો જિલ્લા અદાલતમાં પડકાર્યો છે.
કોર્ટે સૈફ અલી ખાન, નીલમ, તબુ તથા સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મૂક્યાં છે. સલમાનને જોધપુર જેલ મોકલવામાં આવ્યો હતો. આર્મ્સ એક્ટના એક કેસમાં કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો. ત્રણ દિવસ બાદ સલમાનને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.