સલમાન ખાનના બંગલામાંથી ૨૯ વર્ષથી વોન્ટેડ અપરાધી પકડાયો
મુંબઈ, મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં એકવાર ફરીથી અભિનેતા સલમાન ખાન મુશ્કેલીમાં ફસાતો જોવા મળી રહ્યો છે. મુંબઈ પોલીસે સલમાન ખાનના બંગલાની દેખભાળ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આ વ્યક્તિને છેલ્લા ૨૯ વર્ષથી શોધી રહી હતી.
મળતી માહિતી મુજબ સલમાન ખાનના ગોરાઈ સ્થિત બંગલેથી પકડાયેલા આ વ્યક્તિનું નામ શક્તિ સિદ્ધેશ્વર રાણા છે. આ વ્યક્તિ પર ચોરી અને મારપીટના આરોપ નોંધાયેલા છે. આ મામલે જામીન મળ્યા બાદ તે બહાર આવતા જ ફરાર થઈ ગયો હતો. સલમાન ખાનના બંગલાની છેલ્લા ૨૦ વર્ષથી દેખભાળ કરતો આ વ્યક્તિ મુંબઈ પોલીસનો વોન્ટેડ ક્રિમિનલ છે.
૬૨ વર્ષનો આ વ્યક્તિ સલમાન ખાનના બંગલાની દેખભાળ કરી રહ્યો છે તે જાણકારી મુંબઈ પોલીસને એક બાતમીદારે આપી હતી. ત્યારબાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ ૪એ સમગ્ર યોજના બનાવીને સલમાન ખાનના ઘર પર દરોડો પાડ્યો. પોલીસને મળેલી ગુપ્ત સૂચના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરતા બુધવારે સાંજે આ વ્યક્તિની ધરપકડ કરાઈ.