સળંગ ૧૧૩ દિવસ સુધી કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો કદાચ ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો
લડત બાદ ૫૯ વર્ષીય દેવેન્દ્રભાઇ પરમાર હેમખેમ ઘરે પરત ફર્યા-હારશે કોરોના જીતશે ગુજરાત- અન્યત્ર સારવાર માટે રૂ.૩૦ લાખ જેટલો ખર્ચ થયો હોત તે સારવાર રાજ્ય સરકારે વિનામૂલ્યે પૂરી પાડી
અમારા માટે નાણાં મહત્વના નથી, પ્રત્યેક નાગરિકની મહામૂલી જીંદગી બચાવવી એ જ અમારો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ
છેલ્લા દસ મહિનામાં કોરોનાના સામના માટેના સઘન પ્રયાસોના પરિણામે આપણે સંક્રમણ અટકાવી શકયા છીએ અને અનેક માનવીય જીંદગી બચાવવામાં પણ સફળતા મળી છે
સમસ્ત વિશ્વ કોરોનાની મહામારી સામે આજે લડી રહ્યું છે, ત્યારે ગરીબ નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અને મમતાભર્યો અભિગમ કેળવીને કેવી રીતે તેમને મોતના મુખમાંથી ઉગારી શકાય તેની આગવી મિશાલ ગુજરાત સરકારે સમગ્ર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. અમદાવાદની સરકારી સોલા હોસ્પિટલમાં કોરોના સામે ૧૧૩ દિવસ સુધી એકધારી લડત બાદ ધોળકાના દર્દી શ્રી દેવેન્દ્રભાઈ પરમારે કોરોનાને મહાત આપી હેમખેમ ઘરે પરત ફરી રહ્યા છે. કોરોનાની સારવારનો આ વિક્રમજનક ગાળો ભારતભરમાં સૌથી વધુ છે. તેમને તમામ સારવાર રાજય સરકારે વિના મૂલ્યે પૂરી પાડી છે.
આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી એ શ્રી દેવેન્દ્રભાઈ અને એમના પરિવારની રૂબરૂ મુલાકાત લઈને શુભેચ્છાઓ આપી હતી. આ મુલાકાત બાદ હાજર રહી મીડીયા સમક્ષ મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, સફાઇકર્મીઓ સહિત સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યુ કે,સોલા સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રના અથાગ પ્રયાસો થકી જ ૫૯ વર્ષીય શ્રી દેવેન્દ્રભાઇ કોરોના જેવી સંવેદનશીલ બિમારીને મ્હાત આપીને આજે સ્વગૃહે સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા છે.
તેઓએ ઉમેર્યુ કે સમગ્ર વિશ્વ આજે કોરોના સામે જંગ લડી રહ્યુ છે ત્યારે ગુજરાતે પણ કોરોના મહામારીના પડકારનો સામનો કરવા અને મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે છેલ્લા દસ મહિનાથી જે પ્રયાસો કર્યા છે જેના પરિણામે આપણે રાજયભરમાં સંક્રમણ અટકાવી શકયા છીએ અને અનેક માનવીય જીંદગી બચાવવામાં પણ સફળતા મળી છે.
પટેલે ઉમેર્યુ કે, અમારા માટે પ્રત્યેક નાગરિકની જીંદગી બચાવવી એ જ પ્રાથમિકતા છે અને રહેશે જ. અમારી સરકારના દૃષ્ટિવંત આયોજન અને આરોગ્ય વિભાગની સંવેદનશીલતા સાથેની અસરકારક કામગીરીના પરિણામે જ આ શકય બન્યુ છે
એ માટે હું રાજયના કોરોના વોરિયર્સ સમા સૌ આરોગ્ય કર્મીઓને લાખ લાખ અભિનંદન આપુ છું. કોરોનાના કપરાકાળમાં પણ પોતાની જિંદગીની પરવા કર્યા વગર જાનની બાજી લગાવીને સૌ કર્મીઓએ રાજયના નાગરિકોને રાત દિવસ જોયા વગર જે સારવાર-સુવિધા પુરી પાડી છે એના પરિણામે જ આ શકય બન્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્ય કર્મીઓના અથાક પ્રયાસોના પરિણામે શ્રી દેવેન્દ્રભાઈએ કોરોનાને મહાત આપી છે.માનવજીવનની સરખામણી નાણાકીય મૂલ્યો થી ન કરી શકાય તેમ જણાવતા શ્રી નિતિનભાઇ પટેલે કહ્યુ કે છેલ્લા ૧૧૩ દિવસથી કોરોના સામે ઝઝૂમી રહેલા દેવેન્દ્રભાઈએ જો અન્યત્ર સારવાર લીધી હોત તો અંદાજે ૩૦ લાખનો ખર્ચ થયો હોત પણ આ તમામ સૂવિધાઓ તેમને સરકારે વિનામૂલ્યે પૂરી પાડી છે. સળંગ ૧૧૩ દિવસ સુધી સરકારી સુવિધામાં વિનામૂલ્યે કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો કદાચ ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો છે. આ દર્શાવે છે કે પ્રત્યેક નાગરિકની જિંદગી રાજ્ય સરકારને માટે ઘણી જ કિંમતી છે.
રાજ્ય સરકારની તમામ સરકારી હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, આરોગ્ય સેવાઓને લગતી જરૂરી તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવી છે . જેના કારણે રાજ્યના અગણ્ય કોરોના ગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવવામાં આપણે સફળ રહ્યા છીએ તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ સમગ્ર બનાવની ટૂંકી વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના ધોળકાના વતની અને ગરીબ પરિવારના મોભી 60 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમારને શરદી-તાવના લક્ષણો જણાતા તેમણે કોવિડ-૧૯નો રૅપિડ ટૅસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આવતા દેવેન્દ્રભાઈ કોરોના પોઝિટવ હોવાનું ફલિત થયું હતું.
RT-PCR ટૅસ્ટમાં પણ તેઓ કોરોનો પોઝિટિવ જણાયા હતાં. શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દેવેન્દ્રભાઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૮ ઓગસ્ટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં આરોગ્ય વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓએ દેવેન્દ્રભાઈની સારવાર શરૂ કરી હતી. સતત ચાર મહિના સુધી ચાલેલી આઇસીયુ સહિતની વૈવિધ્યપૂર્ણ અને ગહન સારવાર બાદ દેવેન્દ્રભાઇને સાજા થવાની અનુભૂતિ થતા તેઓ હોસ્પિટલ સમક્ષ ઘરે પરત ફરવાની માંગણી કરી હતી જેને ગ્રાહ્ય રાખીને 18 ડિસેમ્બરે દેવેન્દ્રભાઈને ઘરે જવાની રજા અપાઈ હતી.
કોરોનાની સારવારના લાંબા સમયગાળાનો અત્યાર સુધીનો વિક્રમ ૧૦૨ દિવસનો છે. અન્યત્ર સારવાર લેવામાં આવે તો સામાન્ય રીતે આટલી લાંબી ચાલતી સારવાર પાછળ અંદાજે ૩૦ લાખ રૂપિયા ખર્ચાવાની શક્યતા હોય છે,
જે કદાચ દેવેન્દ્રભાઈના ગરીબ પરિવારને આર્થિક રીતે ન પોસાયું હોત, પરંતુ ધોળકાના આ ગરીબ માનવીને વિનામૂલ્યે સતત ૧૧૩ દિવસ સુધી સારવાર આપીને હેમખેમ ઉગારી લઇને ગુજરાત સરકારે એ સાબિત કર્યું છે કે કોરોનાના આ વસમા કાળમાં રાજ્યના પ્રત્યેક ગરીબ માનવીના જીવનના રખોપા કરવા એ જ તેની પ્રાથમિકતા છે.
શ્રી દેવેન્દ્રભાઈ પરમારના ધર્મપત્ની શ્રી ઇન્દુમતીબેને આ પ્રસંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે હું “જો મારા પતિની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગઈ હોત તો કદાચ મારા પતિ સાજા થઈને ઘરે પાછા ન ફર્યા હોત. સોલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઈને સફાઇ કર્મીઓ સુધી તમામ તંત્રએ ખડેપગે રહીને મારા પતિની સેવા- સુશ્રુષા કરી છે એ બદલ હું તમામને બિરદાવું છું અને રાજ્ય સરકાર દ્વારા આટલા લાંબા સમયે ચાલેલી સારવાર અમને તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી તે બદલ અમારો સમગ્ર પરિવાર રાજ્યની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરે છે.
આ પ્રસંગે સોલા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની, જી.એમ.ઇ.આર.એસ. કોલેજના ડીન ડૉ. નીતીન વોર, સોલા સિવિલ એનેસ્થેસિયા વિભાગની સમગ્ર ટીમ, પલમેનોલોજી વિભાગની સમગ્ર ટીમ, મેડિસીન વિભાગની સમગ્ર ટીમ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.