સવારે પિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, થોડીવાર બાદ એ જ ફંદા પર પુત્ર લટકી ગયો
આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રાના ફતેહાબાદમાં હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જિલ્લાના ડૌકી ક્ષેત્રના નગરિયા ગામમાં બુધવારે સવારે 40 વર્ષીય દિનેશ યાદવનો મૃતદેહ ફાંસીએ લટકતો મળ્યો હતો. જેના થોડા કલાક બાદ એ જ ફંદા સાથે દિનેશનો 12 વર્ષીય દીકરો અનુજ લટકતો મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પિતાના મોત બાદ આઘાતમાં આવી ગયેલા દીકરાએ પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે દિનેશના મોતના કારણની તપાસ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે દિનેશ અને પુત્ર અનુજના મોતથી આખો પરિવાર આઘાતમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા દિનેશના વધુ એક દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે પણ રડતાં રડતાં ઘરમાં જીવ આપવા માટે જઈ રહ્યો હતો પરંતુ ગામના લોકોએ તેને પકડી લીધો હતો અને સમજાવ્યો હતો. ગામના લોકોએ દીકરાને સમજાવ્યું કે તું પણ આપઘાત કરી લઈશ તો તારી માતા અને બહેનનું ધ્યાન કોણ રાખશે? પરિવારમાં તે જ મોટો છે, આથી પરિવારની જવાબદારી તેના ખભે છે.
એક સાથે પિતા-પુત્રના બે મોતથી ફક્ત પરિવારમાં જ નહીં પરંતુ ગામમાં માતમ છવાયો હતો. હાલ દિનેશે શા માટે આપઘાત કરી લીધો છે તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આપઘાત માટે સંપત્તિના વિવાદના કારણને તપાસી રહી છે. ઘટના બુધવારે સવારે સાત વાગ્યાની છે.
સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે, દિનેશ યાદવનું દૂધનું કામ છે. છેલ્લા ઘણા દિવસોથી તે પરેશાન હતો. સવારે તેણે પરિવારના તમામ લોકોને વાડા પર મોકલી દીધા હતા. સાથે એવું પણ કહ્યું હતું કે તે થોડીવારમાં આવે છે. જે બાદમાં તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સીઓ ફતેહાબાદ વી.એસ. વીર કુમારે જણાવ્યુ કે પરિવાર વાત કરવાની સ્થિતિમાં નથી. પોલીસે ગામના લોકો સાથે વાતચીત કરી છે. લોકોનું કહેવું છે કે દિનેશના માથે દેવું થઈ ગયું હતું. તે છેલ્લા ઘણા દિવસોથી પરેશાન હતો.