સવાર સુધી રાહ જોઈ હોત તો આ સ્થિતિ ન થાત : સરકાર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં કથિત રીતે ગેંગરેપ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. યોગી સરકારએ દાવો કર્યો છે કે તેઓ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ સીબીઆઇ તપાસનું નિરીક્ષણ કરે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્ય ભવિષ્યમાં હિંસાના અણસારને જોતાં અડધી રાત્રે અંતિમ સંસ્કાર માટે સહમત થયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાયમ રાખવા માટે આવું કરવામાં આવ્યું. યોગી સરકારે અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવાનું કારણ જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે આ મુદ્દાને લઈ સવારે મોટા પાયે તોફાનો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો સવાર સુધી રાહ જોતા તો સ્થિતિ અનિયંત્રિત થઈ શકતી હતી.
રાજ્ય સરકારે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇની તપાસ થાય કારણ કે ખોટા નેરેટિવના માધ્યમથી તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં દુષ્કર્મનો ઉલ્લેખ નથી કર્યો. તેણે પોતાના બીજા નિવેદનમાં દુષ્કર્મના આરોપ લગાવ્યા અને તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ૧૯ વર્ષીય દલિત યુવતીની સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની સીબીઆઈ તપાસ કે એસઆઇટી તપાસની માંગ કરવાની જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે સીબીઆઇ કે એસઆઇટી દ્વારા સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેટળ તપાસના યોગ્ય આદેશ આપવામાં આવે અને મામલાને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે કારણ કે ઉત્તર પ્રદેશના અધિકારી આરોપીની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. હાથરસ મામલામાં પોતાની એફિડવિટમાં યૂપી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વિરોધી રાજકીય પાર્ટીઓના સભ્યો દ્વારા બીજેપી સરકારને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જાણી જોઈને અને યોજનાબદ્ધ રીતે રાજ્યમાં જાતિય/સાંપ્રદાયિક તોફાનો કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.