સવા કરોડના દાગીના ચોરનાર ગઠિયા એક મહિના પછી પણ પોલીસ પકડથી દૂર
અમદાવાદ, દિવાળી પહેલા નરોડા વિસ્તારમાં સવા કરોડ રૂપિયાના સોનાના દાગીના લઇને ફરાર થઇ જવાના કિસ્સામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. સવા કરોડના દાગીનામાં એક મહિનો થવા આવ્યો છે ત્યારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડી શકી નથી.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પોલીસ આરોપીને શોધવા ગઇ હતી પરંતુ હજુ પણ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રાયપુરમાં માંડવીની પોળમાં રહેતા મુકેશભાઇ ઘાંચી માણેકચોકમાં એમ.એચ. જ્વેલર્સ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.
શહેરમાં અલગ અલગ જગ્યાએ સોનાના તૈયાર દાગીના દુકાનોમાં આપે છે. અઢી મહિના પહેલા તેમના જ ગામના અને સમાજના ગણેશભાઇ ઘાંચી નામના વ્યક્તિને તેમણએ નોકરી પર રાખેલ. તેના જ ગામના આનંદસિંહ રાજપૂતને પણ તેમણે માસિક નવ હજારના પગાર કામ પર રાખ્યો હતો.
મુકેશભાઇ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઇ અલગ અલગ દુકાને જતા હતા. ૧૬ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યે બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી, કડા સહિત કરોડની કિંમતના દાગીના લઇ એક્ટિવા પર મુકેશભાઇ આનંદસિંહને લઇને ગયા હતા.
અલગ અલગ દુકાનોમાં દાગીના બતાવી અને નરોડા આદિશ્વર કેનાલ પાસે પહોંચ્યા હતા. દરમિયાનમાં મુકેશભાઇ લઘુશંકા કરવા ગયા ત્યારે આનંદસિંહ તકનો લાભ ઉઠાવી એક્ટિવા ચાલુ કરી કરોડ રૂપિયાના દાગીનાની બેગ એક્ટિવા પર લઇ ફરાર થઇ ગયો હતો.
જાેકે તેને કામ પર રખાવનાર શખ્સ ગણેશ ઘાંચીનો ફોન બંધ આવતા તે પણ ફરાર થઇ ગયો હોવાનું મનાઇ રહ્યું છે. મુકેશભાઇ એક્ટિવાનો પીછો કરવા માટે અજાણ્યા શખ્સની બાઇક પર બેઠા હતા. જાેકે તેને પકડે તે પહેલા આનંદસિંહ તકનો લાભ ઊઠાવીને જતો રહ્યો હતો.
મુકેશભાઇએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચ આવનારા દિવસમાં આરોપીઓની ધરપકડ કરી લે તેવી શક્યતા છે ત્યારે સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ગઠિયો મુકેશભાઇના ૧.૨૫ કરોડના નહીં પરંતુ અઢી કરોડ રૂપિયાના દાગીના લઇને ફરાર થઇ ગયો હોવાની વિગતો સુત્રો પાસેથી મળી છે.
એક કરોડ રૂપિયાના દાગીના બિલ નહીં હોવાના કારણે તેની હકીકત પોલીસ ફરિયાદમાં જણાવાઇ નથી. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ખાંભલાએ જણાવ્યું છે કે આરોપીનો કોઇ પત્તો લાગ્યો નથી. તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ પોલીસની ટીમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તપાસ કરીને આવી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.