સસ્તા કોલ દરનાં દિવસો પુરા થશે: ટેલિકોમ કંપનીઓની ટેરિફ વધારવા માંગ
મુંબઇ, ભારતમાં સસ્તી કોલિંગ સેવા અને ઇન્ટરનેટની સુવિધાના દિવસો સમાપ્ત થવાના અંધાણા દેખાઇ રહ્યા છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) મૂદ્દે સરકાર સાથે ચાલી રહેલા વિવાદથી અગ્રણી ટેલિકોમ કંપનીઓ નાણાંકીય કટોકટીમાં સપડાઇ છે. આ કટોકટીમાંથી ઉગરવા માટે વોડાફોન આઇડિયાએ મોબાઇલ ડેટાનો મિનિમમ ચાર્જ વધારીને રૂ.36 પ્રતિ જીબી અને કોલિંગ ચાર્જ પ્રતિ મિનિટ 6 પૈસા કરવાની માંગણી કરી છે.
જો વોડાફોન આઇડિયાની આ માંગણી સ્વીકારીને તેનો અમલ કરવામાં આવે તો હાલની મોંઘવારીમાં મોબાઇલ યુઝર્સના ખિસ્સા પર તગડો બોજ પડશે. હાલ ભારતમાં મોબાઇલ ડેટાનો ટેરિફ રેટ પ્રતિ જીબી 4થી 5 રૂપિયાની આસપાસ છે. વોડાફોન આઇડિયાએ આ મોબાઇલ ઇન્ટરનેટ ડેટા પેકના ટેરિફ ચાર્જમાં 7થી 8 ગણો વધારો કરવાનીં માંગણી કરી છે. ટેલિકોમ કંપનીએ કહ્યું કે, તેને AGRના બાકી પેમેન્ટની ચૂકવણી કરવા સક્ષમ બનવા માટે તથા તેના બિઝનેસની કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે આગામી 1લી એપ્રિલથી સુચિત નવા ટેરિફ રેટ લાગુ કરવાની પરવાનગી આપવી જોઇએ. સત્તાવાર સુત્રોના મતાનુસાર કંપનીએ AGRના બાકી પેમેન્ટની ચૂકવણી કરવા માટે 18 વર્ષની મુદ્દત માંગી છે. તેની સાથે જ કંપનીએ કહ્યું કે, તેને વ્યાજ અને દંડની ચૂકવણીમાંથી 3 વર્ષની મૂક્તિ મળવી જોઇએ.