સસ્તા મકાનની લિમિટ વધારીને ૫૦ લાખ કરાશે : ટૂંકમાં નિર્ણય
નવીદિલ્હી : અર્થતંત્રમાં મંદી હોવા છતાં અફોર્ડેબલ હાઉસ એટલે કે સસ્તા મકાન માટે માંગ ખુબ સારી દેખાઈ રહી છે. આર્થિક મંદીની સ્થિતિમાં પણ સસ્તા મકાનની બોલબાલા દેખાઈ રહી છે. આ બાબતની નોંધ લઇને સરકાર અફોર્ડેબલ હાઉસની મર્યાદાને ૪૫ લાખ રૂપિયાથી વધારીને ૫૦ લાખ રૂપિયા કરવાની વિચારણા કરી રહી છે. આ સંદર્ભમાં પીએમઓની સાથે આરબીઆઈની ટૂંક સમયમાં જ વાતચીત થનાર છે. ત્યાંથી લીલીઝંડી મળી ગયા બાદ આ દિશામાં નવા પગલા લેવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારામને બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલમાં જ બેઠક યોજી હતી. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને સસ્તા મકાનની પરિભાષામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. ૫૦ લાખ રૂપિયા સુધીના મકાનને અફોર્ડેબલ હાઉસની હદમાં લાવવાની માંગ કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ બેંકરોએ કહ્યું છે કે, હાલના સમયમાં સૌથી વધારે લોનની માંગ અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર માટે રહેલી છે. જા સસ્તા મકાનની મર્યાદાને ૫૦ લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવશે તો આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારે તેજી આવી શકે છે. બેંકરોએ એમ પણ કહ્યું છે કે, આ સેક્ટરમાં લોન આપવાના મામલામાં રિસ્ક ખુબ ઓછું છે.
આવી સ્થિતિમાં લોનના એનપીએમાં ફેરવાઈ જવાના ખતરા પણ ઓછા દેખાઈ રહ્યા છે. બેંકરો અને હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા આપવામાં આવેલા આંકડા બાદ નાણામંત્રાલય દ્વારા આ સંદર્ભમાં ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, સરકાર હાલના સમયમાં અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી મંદીને દૂર કરવા જુદા જુદા પગલા લઈ રહી છે.
આના ભાગરુપે નાણામંત્રી દ્વારા કોર્પોરેટ ટેક્સના રેટમાં ઘટાડો કરીને કારોબારીઓને ચોંકાવી દેવામાં આવ્યા છે જેના લીધે શેરબજારમાં દિવાળી જેવો માહોલ થઇ ચુક્યો છે. આ ઉપરાંત ઓટો મોબાઇલ સેક્ટર, કન્ઝ્યુમર ક્ષેત્ર અને અન્ય જુદા જુદા સેક્ટરોમાં તેજી લાવવાના પગલા લેવામાં આવી રહ્યા છે. તહેવારની શરૂઆત થઇ ચુકી છે
ત્યારે મોદી સરકાર દ્વારા આર્થિક સુસ્તીને દૂર કરવા વધુ કેટલાક પગલા લેવામાં આવી શકે છે. આના સંકેત પણ મળી રહ્યા છે. ખાસ કરીને કન્ઝ્યુમર પ્રોડક્ટના ક્ષેત્રમાં મહત્વના પગલા લેવામાં આવી શકે છે. દેશના જુદાજુદા ભાગોમાં સસ્તા મકાનના પ્રોજેક્ટો ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સસ્તા મકાનની બાબતને ઉચ્ચ પ્રાથમિકતા આપવા માટે રાજ્ય સરકારોને કહી ચુક્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં સસ્તા મકાનની યોજના વધુ ઝડપથી વધી રહી છે જેમાં સબસિડીની વ્યવસ્થા પણ કરાઈ છે.