Western Times News

Gujarati News

સસ્પેન્શનની તલવાર છતાં પણ બુટલેગરોને ‘ધંધા’ની પરમિશન

પ્રતિકાત્મક

સ્ટેટ મોનિટરિંગ સેલ અને PCB  દારૂ જુગારમાં કવોલિટી કેસ થાય તો જે તે વિસ્તારના PI અને PSI સહિતની ટીમનો ભોગ લેવામાં આવે છે.

(એજન્સી) અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગરો જેલમાં જવાના ઈરાદા સાથે જ દારૂનો ધંધો કરવાનું રિસ્ક લે છે ત્યારે હવે પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થવાનું છે તેવા રિસ્કથી દારૂ જગારનો ધંધો કરવાની પરમિશન બુટલેગરને આપી રહ્યા છે.

ગુનેગારો અને પોલીસ કર્મચારીઓ જેના નામથી ફફડે છે તેવા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી થતાં ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડાનું ચિત્ર બદલાઈ ગયું છે. રિસ્ક હૈ તો ઈશ્ક હૈ તેવી જ રીતે હાલ બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને દારૂ જુગારના અડ્ડાને ધમધમાવે છે.

દારૂ જુગારમાં કવોલિટી કેસ થાય તો જે તે વિસ્તારના પીઆઈ અને પીએસઆઈ સહિતની ટીમનો ભોગ લેવામાં આવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી તેમજ ક્રાઈમબ્રાંચ જે તે વિસ્તારમાં કવોલિટી કેસ કરે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ પર સસ્પેન્શનની તલવાર લટકતી હોય છે.

દારૂ જુગાર સિવાય પણ ડીઝલ ચોરી, સરકારી સામાનની ચોરીમાં પણ સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવે તો જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે.

દરિયાપુરમાં આવેલી મનપસંદ કલબમાં રેડ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૭૦ જુગારિયાને ઝડપી પાડયા હતા. જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા. આ બાદ પણ જયારે જયારે સ્ટેટ મોનિટરિંગ સેલે જયારે દારૂ જુગારના કેસમાં કવોલિટી કેસ કર્યા છે તેમાં પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થયા છે.

થોડાક દિવસ પહેલાં આઈપીએસની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. નિર્લિપ્ત રાયના નામથી ગુનેગારો તો ઠીક પરંતુ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પણ ડરી રહ્યા છે.

અમરેલીમાં જયારે તે એસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે ૧૩૦ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે ભ્રષ્ટ પોલીસ કર્મચારી પણ ટેન્શનમાં આવી ગયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના બુટલેગરે પોતાના ધંધા બંધ કરી દીધા છે

જેના કારણે પોલીસની ટેબલ નીચેની આવક પર મોટો ફટકો પડયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ થવાનું વિચારીને કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરે તેમના વિસ્તારમાં દારૂનો ધંધો કરવા માટેની પરમીશન આપી દીધી છે. બુટલેગરોને પણ ધંધો કરવાનો હોવાથી તેમણે પોતાના ડેરિંગ પર ધંધો શરૂ કરી દીધો છે.

બુટલેગર કવોન્ટિટીમાં માલ રાખતા નથી ઃ પોલીસને ખબર છે કે જાે દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં પકડાશે તો નોકરી પરથી સસ્પેન્ડ કરશે પરંતુ જાે ઓછી કવોન્ટિટીનો કેસ થશે માત્ર બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ થશે. બુટલેગરોને જયારે પોલીસના વહીવટદારે દારૂનો ધંધો કરવા માટેની પરમિશન આપી ત્યારે કેટલાક નિયમો બનાવી દીધા છે. જેમાં કોઈ એક સ્થળ પર દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવો નહી.

રિસ્ક વધુ છે તો પૈસા પણ વધુ આપવા પડશે, સસ્પેન્ડ થવાનું રિસ્ક હોવાના કારણે બુટલેગરોના ભરણ પણ વધારી દીધાં છે. પહેલા બુટલેગર જે ભરણ પોલીસને આપતો હતો તે હવે ડબલ થઈ ગયું છે કારણ દરેક પોલીસ કર્મચારીઓ કડક અધિકારી નિર્લિપ્ત રાય એસપી તરીકે આવ્યા હોવાનું કહી રહ્યા છે. બુટલેગરોને દારૂનો ધંધો કરવાનો હોવાથી તેઓએ પણ પોલીસની વાત માની લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.